ઈંગ્લેન્ડની ૯૫ ટકાથી વધુ વસ્તીમાં કોવિડ-૧૯ એન્ટિબોડીઝનું ઓછું પ્રમાણ

Thursday 05th November 2020 10:42 EST
 
 

લંડનઃ ઈમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધન અનુસાર સપ્ટેમ્બર મહિનામાં કોરોના વાઈરસના કેસીસ વધવા લાગ્યા છે ત્યારે ઈંગ્લેન્ડની માત્ર ૪.૪ ટકા વયસ્ક વસ્તીના શરીરમાં વાઈરસ સામે રક્ષણ આપતી પ્રતિકારક શક્તિ જોવા મળી છે. આની સરખામણીએ જૂન ૨૦થી જુલાઈ ૧૩ના ગાળામાં ૬ ટકા તેમજ જુલાઈ ૩૧થી ઓગસ્ટ ૩૧ના ગાળામાં ૪.૮ ટકાને એન્ટિબોડીઝ જોવાં મળ્યા હતા. નિષ્ણાતો કહે છે કે આ પરિણામોને જોતાં વસ્તીના વિશાળ સંખ્યાને બચાવવા મોટા પાયે વેક્સિનની જરુર પડશે અને કહેવાતી ‘હર્ડ ઈમ્યુનિટી’ તો જોજનો દૂર છે.

રિયલ – ટાઈમ એસેસમેન્ટ ઓફ કોમ્યુનિટી ટ્રાન્સમિશન (React-2) સંશોધનમાં જણાયું હતું કે અભ્યાસના સમયગાળા દરમિયાન ૧૮-૨૪ વયજૂથના લોકોમાં એન્ટિબોડીઝની સૌથી વધુ હાજરી જોવાં મળી હતી અને તમામ વયજૂથોમાં સૌથી ધીમી ગતિએ તેમાં ઘટાડો જોવાયો હતો. ૭૫ અને તેથી વધુ વયના લોકોમાં એન્ટિબોડીઝનું પ્રમાણ સૌથી ઓછું અને ઘટાડો સૌથી વધારે જોવાયો હતો. જૂનના ઉત્તરાર્ધ અને સપ્ટેમ્બર મહિના વચ્ચે અભ્યાસના ત્રણ રાઉન્ડમાં આશરે ૩૬૫,૧૦૪ પુખ્ત લોકોએ ભાગ લીધો હતો. અભ્યાસનો છેલ્લો રાઉન્ડ સપ્ટેમ્બર ૧૫થી ૨૮ના ગાળામાં હતો અને લંડનમાં તેમજ અશ્વેત અને એશિયન વંશીયતાના લોકોમાં એન્ટિબોડીઝની સૌથી વધુ હાજરી જોવા મળી હતી. અભ્યાસમાં જણાયું હતું કે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે હેલ્થકેર વર્કર્સમાં એન્ટિબોડી પોઝિટીવિટીમાં કોઈ ફેરફાર થયો ન હતો.

ઈમ્પિરિયલ કોલેજ લંડનમાં ચેપી રોગોના પ્રોફેસર ગ્રેહામ કૂકના જણાવ્યા મુજબ કોરોના વાઈરસના પ્રથમ મોજાં પછી પણ દેશની અતિ બહુમતી વસ્તીમાં રક્ષણાત્મક ઈમ્યુનિટીના પુરાવા મળ્યા નથી. વસ્તીના વ્યાપક પ્રમાણને સુરક્ષિત બનાવવા હોય તો મોટા પાયે વેક્સિનની જરુર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter