લંડનઃ કોરોના વાઈરસના ભારતીય વેરિએન્ટ B.1.617.2ના કારણે ઈંગ્લેન્ડવાસીઓને ૨૧ જૂનથી મળનારી ‘આઝાદી’ ખતરામાં આવી પડી છે. ઈંગ્લેન્ડમાં કોરોના વાઈરસ લોકડાઉનના નિયંત્રણો હટાવવાનો આખરી તબક્કો ભારતીય વેરિએન્ટના લીધે ગંભીર મુશ્કેલીમાં આવી શકે તેવી ચેતવણી વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આપી છે. વેરિએન્ટ B.1.617.2ના ફેલાવાને રોકવા વેક્સિનેશન પ્રોગ્રામ ઝડપી બનાવવાની તેમણે જાહેરાત કરી છે. આ માટે૫૦થી વધુ વયના તમામ લોકો તેમજ અશક્તો માટે વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર ૧૨ સપ્તાહથી ઘટાડી ૮ સપ્તાહનું કરી દેવાશે. તેમણે ઈંગ્લેન્ડના બે વેરિએન્ટ હોટસ્પોટ બોલ્ટન અને બ્લેકબર્ન વિથ ડાર્વિનમાં વેક્સિનેશનમાં સહાય માટે આર્મી ગોઠવવા ગોઠવવાની પણ જાહેરાત કરી હતી.
વડા પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતીય વેરિએન્ટથી ચિંતામાં છે અને તેનો સામનો કરવામાં તમામ કરી છૂટાશે તેમ પણ કહ્યું છે. ઈંગ્લેન્ડના ચાર હોટસ્પોટ – બોલ્ટન, બેડફોર્ડ, સેફ્ટોન તથા બ્લેકબર્ન વિથ ડાર્વિનમાં કોવિડના કેસીસ એક સપ્તાહમાં બમણા થઈ જવાથી લોકડાઉનમાંથી આઝાદી વિલંબમાં પડી શકે છે. વડા પ્રધાને લોકડાઉન હળવા કરવાનો રોડમેપ યથાવત હોવાનું કહ્યું છે પરંતુ, સ્થાનિક નિયંત્રણો લાદવાના સંકેતો પણ આપ્યા છે. હોટસ્પોટમાં રહેતા સાંસદો અને પરિવારોએ ભારતને રેડ લિસ્ટમાં મૂકવામાં ભારે વિલંબ કરાયાના આક્ષેપ મિનિસ્ટર્સ સામે લગાવ્યા છે.
કાઉન્ટી ડરહામમાં પ્રાઈમરી સ્કૂલની મુલાકાત દરમિયાન વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે યુકેમાં ફેલાઈ રહેલા ભારતીય વેરિએન્ટથી તેઓ ચિંતિત છે. આપણે શું કરવું જોઈએ તેની ચર્ચા ચાલી રહી છે. હાલની પળે ૨૧ જૂનની યોજનામાં પીછેહઠ કરવી પડે તેમ મને કશું જણાતું નથી. ઈંગ્લેન્ડમાં ચાર હોટસ્પોટ – બોલ્ટન, બેડફોર્ડ, સેફ્ટોન તથા બ્લેકબર્ન વિથ ડાર્વિનમાં કોવિડ કેસીસમાં ભારે ઉછાળો આવ્યો છે. તેમણે સ્થાનિક નિયંત્રણો લદાવાનો સંકેત આપ્યો હતો. આ પગલાંમાં વૃદ્ધજૂથોને પ્રાથમિકતાના બદલે ચોક્કસ વિસ્તારોમાં તમામ વયસ્કોને વેક્સિનેશન તેમજ મોટા પાયે ટેસ્ટિંગનો સમાવેશ કરાશે.
હોટસ્પોટ્સમાં સામૂહિક વેક્સિનેશનની હાકલ
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના ૯ મે સુધીના સાપ્તાહિક સર્વેલન્સ રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડની ૬ લોકલ ઓથોરિટીઝમાં કોવિડ સંક્રમણ દર બમણા થયા છે. તેમાંથી ચાર હોટસ્પોટમાં ભારતીય વેરિએન્ટનું સંક્રમણ વધુ છે. બ્લેકબર્નમાં ભારતીય વેરિએન્ટના લીધે કેસીસ બમણા થતાં હેલ્થ સત્તાવાળાઓએ ૧૮ વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન લેવા આગળ આવવા અનુરોધ કર્યો હતો. બોલ્ટનમાં પણ કેસીસમાં ઉછાળો આવતા સામૂહિક વેક્સિનેશન માટે હાકલ કરાઈ છે.
રિપોર્ટમાં જણાયું હતું કે બોલ્ટનમાં મે મહિનાના પ્રથમ સપ્તાહમાં કોવિડના કેસીસ પ્રતિ મિલિયન ૮૫.૨થી વધીને ૧૮૭ થઈ ગયા હતા. મર્સીસાઈડના સેન્ટ હેલન્સમાં કેસીસ ઓછાં હોવાં છતાં, આવી જ ટકાવારી રહી હતી. અહીં સંક્રમણ દર પ્રતિ મિલિયન ૮.૩થી વધીને ૧૮.૩ થયો હતો. જોકે, આ ઉછાળા માટે ભારતીય વેરિએન્ટ કારણભૂત મનાયો નથી. બ્રેડફોર્ડ અને સેફ્ટોનમાં અડધાથી વધુ કેસ ભારતીય વેરિએન્ટના છે. તેમનો સંક્રમણ દર અનુક્રમે પ્રતિ મિલિયન ૮૨.૫ અને ૫૯.૯ રહ્યો હતો. બ્લેકબર્નમાં સમગ્રતયા દર ૯૬ ટકા વધી ૧.૬.૨નો થયો હતો. લેન્કેશાયર ટાઉનમાં ભારતીય વેરિએન્ટની તીવ્ર અસર રહી હતી.
કેન્ટ વેરિએન્ટ કરતા વધુ ચેપી
અભ્યાસોમાં જણાયું છે કે બ્રિટનમાં સૌ પહેલા કેન્ટમાં દેખાયેલા અને યુકેમાં બીજી લહેર લાવનારા વેરિએન્ટ B.1.1.7 કરતાં પણ ભારતીય વેરિએન્ટ ૬૦ ટકા વધુ સંક્રામક છે. જોકે, વેક્સિન કોરોનાની તીવ્ર બીમારી સામે રક્ષણ આપે છે તેમ નહિ માનવાને કોઈ કારણ નથી.ભારતમાં હાલ ત્રણ વેરિએન્ટ B.1.617, B.1.617. 2 અને B.1.617.3થી સંક્રમણમાં ભારે ઉછાળો આવ્યો છે.
SAGE પેનલના સલાહકારોએ B.1.617.2ના પ્રસારને અંકુશમાં લાવવા નિયંત્રણો લાંબા સમય રાખવા પડશે કે કેમ તેની વિચારણા હાથ ધરી હતી. આ સલાહકારી પેનલના એક નિષ્ણાતે જણાવ્યું હતું કે ૨૧ જૂનના અનલોકિંગમાં વિલંબ શક્ય બની શકે છે. દરમિયાન ફોરેન મિનિસ્ટર જેમ્સ ક્લેવર્લીએ દાવો કર્યો હતો કે લાંબા નિયંત્રણો જરુરી હોવા વિશે નિર્ણય કરતા પહેલા ઉચ્ચ વૈજ્ઞાનિક સલાહકારોના મૂલ્યાંકનની રાહ જોવાઈ રહી છે.