ઈંગ્લેન્ડમાં એપ્રિલથી NHS સ્ટાફ માટે કોવિડ વેક્સિનેશન ફરજિયાત

Wednesday 17th November 2021 04:53 EST
 
 

લંડનઃ NHS ઈંગ્લેન્ડના ૧.૪૫ મિલિયન ફુલટાઈમ સ્ટાફ માટે આગામી વર્ષના એપ્રિલ મહિનાથી કોવિડ વેક્સિનેશન ફરજિયાત બનાવાશે. આના પરિણામે, આરોગ્યસેવા માટે સૌથી વ્યસ્ત હોય તેવા શિયાળામાં જ સંખ્યાબંધ કર્મચારીઓ નોકરી છોડે તેવી ચેતવણી પણ અપાઈ રહી છે. હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે ઈંગ્લેન્ડમાં NHS ટ્રસ્ટ્સનું પ્રતિનિધિત્વ કરતી બે સંસ્થા NHS પ્રોવાઈડર્સ અને NHSકોન્ફડરેશનની સલાહ માની અમલ એપ્રિલ મહિના સુધી મુલતવી રાખ્યો છે. NHS ઈંગ્લેન્ડના ૧૦૦,૦૦૦ કર્મચારીએ કોવિડ વેક્સિન નહિ લીધાનો અંદાજ છે.

NHS પ્રોવાઈડર્સના જણાવ્યા મુજબ બહુમતી હોસ્પિટલ બોસીસ દ્વારા વેક્સિનેશન ફરજિયાત બનાવવા સમર્થ અપાયું છે પરંતુ, તેમાંથી ૯૦ ટકાએ સ્ટાફની ભારે અછત સર્જાવાનો ભય પણ વ્યક્ત કર્યો છે. હેલ્થ સર્વિસ ભારે કાર્યબોજ હેઠળ છે અને ૯૩,૦૦૦ જેટલી વેકેન્સી છે ત્યારે વેક્સિન નહિ લેનારા ફ્રન્ટલાઈન અને સહાયક સ્ટાફને ગુમાવવાનું મુશ્કેલ બની રહેશે.

NHSના ડેટા અનુસાર ઈંગ્લેન્ડમાં ૧,૪૫૨,૨૫૬ હેલ્થ કર્મચારીમાંથી ૯૦ ટકા અથવા ૧,૩૦૩,૬૦૫ કર્મચારીએ કોવિડ વેક્સિનના બે ડોઝ મેળવી લીધા છે. જોકે, સપ્ટેમ્બર સુધી આંકડો ૭૮ ટકાનો હતો. આશરે ૮૦,૦૦૦થી ૧૦૦,૦૦૦ કર્મચારીએ વેક્સિનનો પ્રથમ ડોઝ પણ નહિ લીધો હોવાનું કહેવાય છે.બીજી તરફ, ફ્લુ વેક્સિન ફરજિયાત બનાવાશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter