લંડનઃ ઈંગ્લેન્ડમાં લોકડાઉનના નિયમો હળવા બનાવાયા ગયા માર્ચથી બંધ રહેલા કેટલાંક ઈન્ડોર જીમ અને સ્વીમીંગ પૂલ અને સ્પોર્ટ્સ ફેસિલીટી ફરી શરૂ થયાં હતા. આઉટડોરમાં કોરોના વાઈરસનો ચેપ લાગવાનું જોખમ ઓછું હોવાને લીધે ઈંગ્લેન્ડમાં આઉટડોર જીમ અને સ્વીમીંગ પૂલ ગઈ ૪થી જુલાઈથી ખૂલ્યા હતા. નોર્ધર્ન આયર્લેન્ડમાં જુલાઈની શરૂઆતમાં ઈન્ડોર જીમ ખૂલ્યાં હતા. પરંતુ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં તે બંધ છે. દરમિયાન, લૂટન અથવા બ્લેકબર્ન અને ડાર્વિનમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થયો હોવાથી ત્યાં જીમ અને સ્પોર્ટ્સ ફેસિલીટી ખૂલશે નહિ તેને મેટ હેન્કોકે સમર્થન આપ્યું હતું.
જોકે, આ સેક્ટર દ્વારા ચેતવણી અપાઈ હતી કે કોરોના મહામારીને લીધે આર્થિક અસર થઈ હોવાથી તે હજુ સંઘર્ષ કરી રહ્યો છે. લગભગ ત્રીજા ભાગની જાહેર સુવિધાઓ હજુ બંધ રહેવાની શક્યતા છે.
જીમના સંચાલકોએ જીમનો ઉપયોગ કરતાં લોકોની સંખ્યા ઘટાડવા અને જીમના સાધનો દૂરના અંતરે ગોઠવવા સહિત સ્વાસ્થ્ય અને સોશિયલ ડિસ્ટંસિંગના નિયમોનું કડક પાલન કરવાનું રહેશે. સરકારે જુલાઈની શરૂઆતમાં જાહેર કરેલા દિશાનિર્દેશો મુજબ જીમમાં વેન્ટિલેશનની પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે.
સ્વીમ ઈંગ્લેન્ડે પૂલના સંચાલકો માટે ઈન્ડોર પૂલ કેવી રીતે ફરી શરૂ કરવો તે સહિત વન-વે એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમનો અમલ કરવા સહિતની પોતાની માર્ગદર્શિકા જાહેર કરી હતી. તેના ચીફ એક્ઝિક્યુટિવ જેન નીકરસને જણાવ્યું હતું કે આર્થિક સમસ્યાનો અર્થ એ કે કુલ પૂલ પૈકી ૨૦ ટકા કરતાં પણ ઓછાં પૂલ ફરી ખૂલશે.