લંડનઃ ઈંગ્લેન્ડમાં કોરોના વાઈરસ નિયંત્રણોને વધુ કડક બનાવાયા છે. સોમવાર ૨૮ સપ્ટેમ્બરથી કહેવામાં આવે ત્યારે એકાંતવાસ સેવવાનો ઈનકાર કરનારા લોકો ૧૦,૦૦૦ પાઉન્ડ સુધીનો દંડ ભરવાને પાત્ર બનશે. ટેસ્ટ એન્ડ ટ્રેસ સ્ટાફ દ્વારા કોઈને એકાંતવાસની સલાહ આપવામાં આવશે તો તેનું પાલન કાનૂની જવાબદારી બની જશે.
સરકારે આની સાથે જ ૧૪ દિવસના ફરજિયાત એકાંતવાસમાં જવાના કારણે કામ નહિ કરી શકનારા ઓછી આવક સાથેના લોકોને ૫૦૦ પાઉન્ડ ચૂકવવાની નવી સિસ્ટમ દાખલ કરી છે જેનો અમલ કાઉન્સિલો દ્વારા કરાઈ રહ્યો છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આ બેપાંખિયા અભિગમને કોરોના વાઈરસના વધતા આક્રમણને ખાળવા માટે અનિવાર્ય ગણાવ્યો હતો. નવી સિસ્ટમ હેઠળ સ્થાનિક ઓથોરિટીઝ બે સપ્તાહમાં જ તેમની ટેસ્ટ એન્ડ ટ્રેસ સપોર્ટ યોજનાઓ ચાલુ કરી દેશે અને સેલ્ફ આઈસોલેશનમાં જનારા લોકોને જરુર પડે પાછલી અસરથી પણ નાણા ચૂકવી શકાશે.
આ નાણા ચૂકવાય તેને લાયક બનવા લોકોને ટેસ્ટ એન્ડ ટ્રેસ સ્ટાફ દ્વારા કોરોના વાઈરસ માટે પોઝિટિવ આવ્યાથી કે કોઈને કોરોના લાગ્યો હોય તેના સતત સંપર્કમાં રહેવાથી એકાંતવાસની સલાહ અપાઈ હોવી જોઈએ. તેમણે આવક ગુમાવી હોવી જોઈએ તેમજ યુનિવર્સલ ક્રેડિટ, ઈન્કમ સપોર્ટ અને હાઉસિંગ બેનિફિટ સહિતના લાભોમાંથી એક અથવા વધુ મેળવતા હોવા જોઈએ.
જે લોકોને સેલ્ફ આઈસોલેટ થવાનું કહેવાય અને તેનું પાલન ન કરે તો દંડની રકમ ૧૦૦૦ પાઉન્ડ રહેશે અને વધતા નિયમભંગ સાથે તેમાં વધારો થઈ ૧૦,૦૦૦ પાઉન્ડ સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ ઉપરાંત, લોકોને કામે આવવાનું ન હોય છતાં તેમ કરવાનો હુકમ કે પરવાનગી આપનાર એમ્પ્લોયર જેવા ઉશ્કેરણી કરનારા પણ આ દંડને પાત્ર બનશે.

