ઈંગ્લેન્ડમાં જુનિયર ડોક્ટર્સ ચાર દિવસની હડતાળ પાડશે

Tuesday 28th March 2023 14:57 EDT
 
 

લંડનઃ વેતનના મુદ્દે સરકાર યોગ્ય ઓફર કરી રહી નથી તેવા દાવા સાથે જુનિયર ડોક્ટર્સે ચાર દિવસની હડતાળની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડમાં બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA) યુનિયન સાથે સંકળાયેલા જુનિયર ડોક્ટર્સ 11 એપ્રિલની સવારના 6.59થી 15 એપ્રિલના સવારના 6.59 સુધી હડતાળ પર રહેશે. હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલે સાથે તેમની મંત્રણાઓ ભાંગી પડી હતી.

સરકારે જણાવ્યું હતું કે BMA દ્વારા આ વાતચીત માટે 35 ટકા વેતનવધારાની પૂર્વશરત રખાઈ હતી જે વાજબી ન હતી. BMA જુનિયર ડોક્ટર કમિટીના સહ-અધ્યક્ષો ડો. વિવેક ત્રિવેદી અને ડો. રોબર્ટ લૌરેન્સને કહ્યું હતું કે સરકારે ડગલે અને પગલે પીછેહઠ કરી હતી અને કોઈ વિશ્વસનીય ઓફર રાખી ન હતી તેમજ પગાર પૂર્વવત કરવાની કોઈ વાત હોવાનું સ્વીકારવા પણ તૈયાર નથી.

ગત સપ્તાહે પણ જુનિયર ડોક્ટર્સે 72 કલાકની લાંબી હડતાળ પાડી હતી. NHS ઈંગ્લેન્ડના જણાવ્યા મુજબ આના પરિણામે 175000 પેશન્ટ્ એપોઈન્ટમેન્ટ્સ અને પ્રોસીજર્સ રદ કરવાની ફરજ પડી હતી.

દરમિયાન, રેલવેના બોસીસ સાથે વાતચીતના પગલે RMT રેલ વર્કર્સ યુનિયને આગામી વીકએન્ડની હડતાળો મુલતવી રાખી છે. નેશનલ એજ્યુકેશન યુનિયને પણ જણાવ્યું છે કે ચર્ચાઓ ચાલે છે ત્યારે તેઓ હડતાળની વધુ તારીખો જાહેર નહિ કરે. સરકાર દ્વારા મૂકાયેલી NHS પગાર ઓફર માટે મતદાન અને કન્સલ્ટેશન્સ ટુંક સમયમાં શરૂ કરાશે. આ ઓફરમાં એક વખતની ચૂકવણી અને વેતનવધારાનો સમાવેશ થાય છે. આનો અર્ત એ છે કે નવી ક્વોલિફાઈડ નર્સને 5.5 ટકા વધુ પગાર મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter