લંડનઃ ઈંગ્લેન્ડમાં ઓમિક્રોનની લહેર તીવ્રતાની ટોચ પર છે છતાં, કેસીસ ઘટી રહ્યા છે તેવા સંજોગોમાં પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સને સ્પષ્ટ કર્યું છે કે જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત નહિ રહે અને મોટા ઈવેન્ટ્સ માટે કોવિડ પાસની યોજના પડતી મૂકાશે. જોકે, કોરોના સંક્રમિતે કોરોના આઇસોલેશનમાં જવાનો નિર્ણય યથાવત રહેશે. વિજ્ઞાનીઓનું માનવું છે કે ઓમિક્રોનની લહેરની ટોચ આવી ગઈ છે
બ્રિટનમાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે આવેલું કોરોનાનું મોજું હવે શમવા આવ્યું છે. કોરોનાના દૈનિક કેસ સતત ઘટી રહ્યા છે ત્યારે બ્રિટિશ સરકારે હવે ઓમિક્રોનના મોજાને કારણે અમલી કરેલા ‘પ્લાન બી’ નિયંત્રણો પાછા ખેંચવા નિર્ણય લીધો છે. સરકારની જાહેરાત મુજબ ૨૬ જાન્યુઆરીના રોજ પ્રતિબંધોની મર્યાદા પૂરી થવા જઇ રહી છે એટલે ૨૭ જાન્યુઆરીથી નાગરિકો પર પ્રતિબંધ અમલી નહિ થાય.
જ્હોન્સનના કહેવા મુજબ ઉત્તર ઈંગ્લેન્ડમાં વધુ કેસીસ સાથે હોસ્પિટલો દબાણ હેઠળ છે પરંતુ, ઈંગ્લેન્ડના અન્ય સ્થળોએ હોસ્પિટલોમાં એડમિશન અને ઈન્ટેન્સિવ કેર યુનિટ્સમાં પેશન્ટ્સની સંખ્યા સ્થિર છે અથવા ઘટી રહી છે. યુરોપના અન્ય દેશોમાં શિયાળું લોકડાઉન્સ લદાયા છે પરંતુ આ સરકારે યોગ્ય નિર્ણયો લીધા છે. સરકાર હવે લોકોને ઘરમાં રહી કામ કરવાની સલાહ નહિ આપે અને આગામી ગુરુવાર, ૨૭ જાન્યુઆરીથી મોટા પાયા પરના ઈવેન્ટ્સમાં હાજરી આપવા ફરજિયાત કોવિડ-૧૯ પાસની પણ જરૂર નહિ રહે. ગુરુવારથી ક્લાસરુમ્સમાં ફરજિયાત ફેસ માસ્ક પણ રદ કરી દેવાયા છે અને આગામી સપ્તાહથી સમગ્ર ઈંગ્લેન્ડમાં કોઈ પણ સ્થળે તેની કાનૂની જરુરિયાત નહિ રહે.
બીજી તરફ, કોરોના સંક્રમિતો માટે પાંચ દિવસના સેલ્ફ-આઈસોલેશનનો નિયમ યથાવત રખાયો છે. આ નિયમ ૨૪ માર્ચે સમાપ્ત થાય છે પરંતુ, વાઈરસ ડેટા સતત સુધરતો રહેશે તો તેને વહેલા પણ સમાપ્ત કરી શકાય તેમ જ્હોન્સને જણાવ્યું હતું.


