ઈંગ્લેન્ડમાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ માટે ફરજિયાત વેક્સિનની નીતિ આખરે રદ

Wednesday 02nd February 2022 05:00 EST
 
 

લંડનઃ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે NHS ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે ફરજિયાત કોરોના વાઈરસ વેક્સિનની નીતિ રદ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે ઓમિક્રોન વેરિએન્ટ દેખા દીધા પછી આ નીતિ પ્રમાણસરની રહી નથી. આ નિયમનું પાલન કરાયું હોત તો ૮૦,૦૦૦ વર્ક્સને નોકરી ગુમાવવી પડે તેમ હતી. જોકે, છેલ્લી ઘડીએ નીતિ રદ કરાતા NHS વડાઓએ અરાજકતા વ્યાપી જવાની ટીકા કરી હતી.

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે સોમવારે રાત્રે ફરજિયાત કોરોના વાઈરસ વેક્સિનની નીતિ રદ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું હતું કે ડેલ્ટા વેરિએન્ટનું સ્થાન ઓછાં તીવ્ર ઓમિક્રોને લીધું છે જેની સામે રક્ષણ મેળવવા બે ડોઝ પૂરતા થઈ રહે છે ત્યારેસમતુલા આ પોલિસીની વિરુદ્ધમાં જાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ઈંગ્લેન્ડમાં આ નીતિ દાખલ કરવી તે સમયે યોગ્ય બાબત હતી અને તે પછી ૧૨૭,૦૦૦ કર્મચારીનું વેક્સિનેશન કરી લેવાયું છે. જ્યારે હકીકતો બદલાય છે ત્યારે પોલિસીની સમીક્ષા કરવી સારી વાત છે.

સ્ટાફને પ્રથમ ફરજિયાત ડોઝ લઈ લેવા અથવા નોકરીમાંથી હકાલપટ્ટી માટે તૈયાર રહેવાની ડેડલાઈન સમાપ્ત થવાને ત્રણ દિવસ બાકી હતા ત્યારે જ નીતિ પાછી ખેંચાઈ હતી. સરકારને ચેતવણી પણ અપાઈ હતી કે દર ૨૦માંથી એક કર્મચારી વેક્સિનેટેડ નથી ત્યારે વેક્સિનેશન વિનાના ફ્રન્ટલાઈન વર્કર્સને ગુમાવવા હેલ્થ સર્વિસને પાલવે તેમ નથી. રોયલ કોલેજ ઓફ નર્સિંગ, રોયલ કોલેજ ઓફ મિડવાઈવ્ઝ અને રોયલ કોલેજ ઓફ જીપીસ દ્વારા ચેતવણી અપાઈ હતી કે આ નિયમની ઘાતક અસર પહોંચશે. દરમિયાન, પૂર્વ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે ફરજિયાત વેક્સિનેશન નીતિમાં પીછેહઠને તદ્દન ખોટી જણાવી NHS માટે પેશન્ટ સુરક્ષા મુદ્દે વિશ્વમાં સૌથી ખરાબ પરિસ્થિતિમાં મૂકી દેવા અને સરકારની વિશ્વસનીયતાને નુકસાન કરવા સમાન ગણાવી હતી.

કેર હોમ વર્કર્સને હવે કાયદાનુસાર વેક્સિનેશન કરાવવાની આવશ્યકતા નહિ રહે. ગયા વર્ષે દાખલ કરાયેલી આ નીતિથી ૧૯,૩૦૦ કેર સ્ટાફ ગુમાવવા પડ્યો હતો. સોશિયલ કેર અગ્રણીઓએ સરકાર પર તેમના ક્ષેત્રને નજરઅંદાજ કરવાનો અને સ્ટાફને સેકન્ડ ક્લાસ સિટિઝન ગણવાનો આક્ષેપ લગાવ્યો હતો. નેશનલ કેર એસોસિયેશનના ચેરવુમન નાડરા અહેમદે જણાવ્યું હતું કે જે લોકોએ બિનજરૂરી રીતે નોકરી ગુમાવવી પડી તેનું દુઃખ છે. સરકારી આંકડા અનુસાર જ આશરે સોશિયલ કેર સેક્ટરમાં આશરે ૪૦,૦૦૦નો સ્ટાફ ગુમાવવો પડ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter