ઈંગ્લેન્ડમાં વિક્રમી ૫.૮ મિલિયન લોકો હોસ્પિટલ સારવારની રાહ જુએ છે

Wednesday 24th November 2021 08:28 EST
 
 

લંડનઃ NHS ઈંગ્લેન્ડના ડેટા અનુસાર સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં વિક્રમી ૫.૮ મિલિયન લોકો હોસ્પિટલમાં સારવાર મેળવવાની રાહ જોઈ રહ્યા હતા. NHS કોન્ફડરેશનના વડાએ જણાવ્યું હતું કે ઘણી હોસ્પિટલો તો માત્ર ઈમર્જન્સી પેશન્ટ્સને જ સારવાર આપી શકે તેવી હાલતમાં છે. ઓગસ્ટ ૨૦૦૭માં રેકોર્ડ રાખવાની શરૂઆત થયા પછી હોસ્પિટલમાં સારવારની રાહ જોનારા ૫.૮ મિલિયન લોકોની સંખ્યા સર્વોચ્ચ છે. આ ઉપરાંત, ઈંગ્લેન્ડમાં એમ્બ્યુલન્સના રિસ્પોન્સ ટાઈમમાં પણ ભારે વધારો જોવાં મળ્યો છે.

NHS કોન્ફડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ મેથ્યુ ટેઈલરના જણાવ્યા મુજબ અત્યાર સુધી સારવાર માટે આગળ નહિ આવનારા લોકો પબણ હવે સારવાર માટે આવી રહ્યા હોવાથી હોસ્પિટલો પર ભારે દબાણ સર્જાયું છે.NHSના ૧૦માંથી ૯ ચીફ એક્ઝિક્યુટિવ્ઝ, અધ્યક્ષો અને ડાયરેક્ટર્સે એક સર્વેમાં જણાવ્યું છે કે તેમની સંસ્થાઓ પરનું દબાણ અસહ્ય બની રહ્યું છે. આટલા જ પ્રમાણમાં લોકોએ ડોક્ટર્સ, નર્સીસ અને અન્ય હેલ્થ વર્કર્સની અછત સાથે સ્ટાફિંગ બાબતે પણ ચેતવણીની ઘંટડીઓ વગાડી કહ્યું છે કે આનાથી પેશન્ટ્સની જિંદગી ભયમાં મૂકાય છે.

સારવાર શરૂ કરાવવા માટે ૫૨ સપ્તાહથી વધુ સમય રાહ જોવી પડતી હોય તેવા લોકોની સંખ્યા સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતે ૩૦૦,૫૬૬ની હતી જે તેની અગાઉના મહિના કરતાં ૨૯૨,૧૫૮ વધુ તેમજ એક વર્ષ અગાઉ ૨૦૨૦ના સપ્ટેમ્બરની સંખ્યા ૧૩૯,૫૪૫ કરતાં બમણાથી વધુ હતી. બીજી તરફ, ગંભીરપણે દાઝી જવા, એપિલેપ્સી અને સ્ટ્રોક્સ જેવા ઈમર્જન્સી કોલ્સનો રિસ્પોન્સ આપવામાં એમ્બ્યુલન્સીસ વધુ સમય લઈ રહી છે. સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૪૫ મિનિટ અને ૫૩ સેકન્ડ હતો તે વધીને ગયા મહિને સરેરાશ ૫૩ મિનિટ અને ૫૪ સેકન્ડનો થયો હતો. પ્રસૂતિના આખરી સમય તથા દાઝવાની ઈજા ગંભીર ન હોય તેવા તાકીદના કોલ્સ માટે રિસ્પોન્સ ટાઈમ સરેરાશ ત્રણ કલાક, ૯ મિનિટ અને ૫૮ સેકન્ડ્સનો રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter