ઈંગ્લેન્ડમાં સંપૂર્ણ લોકડાઉન

Wednesday 04th November 2020 03:55 EST
 
 

લંડનઃ ટિયર સિસ્ટમ હેઠળ સ્થાનિક લોકડાઉન્સ બરાબર કામ કરતા નથી અને દેશમાં કોરોના વાઈરસનો સંક્રમણ દર વધી રહ્યો હોવાની પરિસ્થિતિમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વિજ્ઞાની સલાહકારોની સલાહ માનીને નાટ્યાત્મક પીછેહઠ કરી ગુરુવાર, પાંચ નવેમ્બરથી અમલી થાય તે રીતે સમગ્ર ઈંગ્લેન્ડમાં બીજી ડિસેમ્બર સુધી ચાર સપ્તાહના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉનમાં પબ્સ, રેસ્ટોરાં અને બિનજરુરી માલસામાનની દુકાનો બંધ કરાવાશે. જોકે, શાળાઓ અને યુનિવર્સિટીઓ ચાલુ રહેશે. ચાર સપ્તાહ પછી સ્થાનિક સમીક્ષાના આધારે નિર્ણય લેવાશે.
વ્હાઈટહોલના સૂત્રો અનુસાર આગામી ત્રણ-ચાર મહિના ભારે મુશ્કેલ બની રહેશે. બીજી તરફ, અન્ય મહત્ત્વના નિર્ણયમાં વર્કર્સના વેતનના ૮૦ ટકા વેતન ચૂકવતી મૂળ ફર્લો સ્કીમ નવા લોકડાઉનના સમયમાં લંબાવાશે. નિયંત્રણના પગલાંઓ બાબતે ટોરી સાંસદોમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં મતદાન કરાવાશે. દરમિયાન લેબર નેતા સર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે તેમનો પક્ષ નિયંત્રણોને સમર્થન આપશે.

આ વર્ષે દેશમાં ક્રિસમસ તદ્દન અલગ

વડા પ્રધાન જ્હોન્સને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દરરોજ હજારો મોત થવાની આશંકાએ તેમણે નેશનલ લોકડાઉન ફરી લાદવા નિર્ણય લીધો છે. વાઈરસ ધારણા કરતાં વધુ ઝડપે પ્રસરી રહ્યો છે અને જીવનમાં સૌપ્રથમ વખત NHS આપણા અને આપણા પરિવારો માટે મદદરૂપ બની ન રહે તેવું પણ જોખમ છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષે દેશમાં ક્રિસમસ તદ્દન અલગ રહેશે.
ચીફ સાયન્ટિફિક એડવાઈઝર પેટ્રિક વોલેન્સે કહ્યું હતું કે ડેટાએ ઘણું ગંભીર ચિત્ર દર્શાવ્યું છે. શિયાળામાં મોતની સંખ્યા પ્રથમ મોજાં જેટલી કે તેનાથી વધારે થઈ શકે છે. સરકારના સલાહકારી જૂથ Sage દ્વારા પાંચ સપ્તાહ અગાઉ ટુંકા ગાળાના લોકડાઉનની તરફેણ કરાઈ હતી પરંતુ, સરકારે તેને અવગણી હતી. તે સમયે યુકેમાં રોજના સરેરાશ નવા ૪,૯૬૪ કેસ આવતા હતા અને તેમાંથી ૧૫૦૨ કોવિડ પેશન્ટ્સ હોસ્પિટલમાં જવા ઉપરાંત, ૨૮ મોત થતાં હતા. રવિવાર, ૧ નવેમ્બરે યુકેમાં નવા ૨૧,૯૧૫ કેસ, ૧૦,૦૦૦થી વધુ દર્દી હોસ્પિટલમાં અને ૩૨૬ મોત જોવાં મળ્યાં હતાં.

અર્થતંત્રને ગંભીર ફટકાની પણ ચિંતા

બીજા નેશનલ લોકડાઉનથી ૨૦૦૮ની નાણાકીય કટોકટી પછી જે ભયાનક મંદીનો સામનો કરવો પડ્યો હતો તે જ રીતે અર્થતંત્રને ગંભીર ફટકો પડશે તેવી પણ ચિંતા છે. ઉદ્યોગ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હાલ પણ તળિયે રહેલા રીટેઈલર્સ અને હોસ્પિટાલિટી બિઝનેસીસને વધુ સરકારી સહાય વિના તો નાદારી નોંધાવનારા બિઝનેસીસની વધતી કતારમાં ઉભા રહેવાની રહેવાની ફરજ પડશે.

ફર્લો સ્કીમ લંબાવવી આવશ્યક હતી પરંતુ, મિનિસ્ટર્સે નોકરીઓ બચાવવા ને ગરીબીને વધતી અટકાવવા વધુ કામગીરી બજાવવી પડશે. ફર્લો સ્કીમ લંબાવવા છતાં, બેરોજગારી વધે તેવો ભય અસ્થાને નથી. અર્થશાસ્ત્રી ડગ્લાસ મેકવિલિયમ્સે આગાહી કરી છે કે એક મહિનો લોકડાઉનથી યુકેને દરરોજ ૧.૮ બિલિયન પાઉન્ડનું નુકસાન જશે અને યુકેની કોરોના વાઈરસ મંદી આગામી સ્પ્રિંગ સુધી લંબાઈ શકે છે. ક્રિસમસ પાર્ટીઓ રદ થાય છે અને હાઈ સ્ટ્રીટ્સ બંધ થઈ રહી છે ત્યારે બિઝનેસીસ અને ગ્રાહકો ખર્ચા પર કાપ મૂકશે તેથી VATની આવક પણ ઘટશે.

આખરે સુનાક પણ સંમત

બ્રિટિશ અર્થતંત્ર સામે ભારે જોખમ અને ફર્લો માટે વધુ પાંચ બિલિયન પાઉન્ડના ખર્ચને નિહાળતા ચાન્સેલર રિશિ સુનાક માટે સેકન્ડ લોકડાઉન માટે સંમત થવું મુશ્કેલ હતું. શુક્રવારે નવા નિયંત્રણો જાહેર કરનારી ડાઉનિંગ સ્ટ્રીટની બેઠકમાં સુનાક ઉપસ્થિત હતા. સેકન્ડ લોકડાઉનનો નિર્ણય સામૂહિક હતો અને ચાન્સેલરે ખચકાટ સાથે તેને સ્વીકાર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે વિજ્ઞાનીઓ દ્વારા રજૂઆતો કરાઈ હતી. કેબિનેટ સમક્ષ ડેટા મૂકાયો હતો અને વધુ કશું કહેવા જેવું ન હતું.
બોરિસ જ્હોન્સન અને રિશિ સુનાક બંને સેકન્ડ લોકડાઉન ટાળવા ઈચ્છતા હતા. જોકે, NHS ભારે બોજા હેઠળ આવી જશે સહિતના આંકડા એટલા નક્કર હતા કે તેના વિરુદ્ધ દલીલો શક્ય ન હતી. બીજી તરફ, ફ્રાન્સ અને જર્મનીએ નેશનલ લોકડાઉન જાહેર કરવા પડ્યા છે તે મુદ્દો પણ અસર કરી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter