લંડનઃ બ્રિટનમાં કોરોના વાઈરસના સાઉથ આફ્રિકન (B.1.351) વેરિઅન્ટના આંતરરાષ્ટ્રીય પ્રવાસ સાથે નહિ સંકળાયેલા ઓછામાં ઓછાં ૧૧ કેસ શોધી કઢાયા છે. આ ઉપરાંત, ૧૦૫ કેસ જોવા મળ્યા છે અને પબ્લિક હેલ્થ સત્તાવાળા માને છે કે દેશમાં આવા વધુ સેંકડો કેસ હોઈ શકે છે. વર્તમાન વેક્સિન્સ સાઉથ આફ્રિકન વેરિએન્ટ સામે ઓછાં અસરકારક હોવાની ચિંતા વચ્ચે મિનિસ્ટર્સે લંડનના આઠ પોસ્ટકોડ્સ, કેન્ટ, હર્ટફોર્ડશાયર અને સરેના કેટલાક વિસ્તારો તેમજ લેન્કેશાયર, વોલ્સાલ, મેઈડસ્ટોન અને સાઉથપોર્ટમાં આશરે ૮૦,૦૦૦ લોકોના ડોર-ટુ-ડોર ટેસ્ટિંગ માટેના આદેશો આપી દીધા છે. ટેસ્ટિંગ માટે મોબાઈલ યુનિટ્સ ઉભાં કરાયા છે અને ૧૬થી વધુ વર્ષના તમામ લોકોને પરીક્ષણ કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ઈંગ્લેન્ડના આઠ વિસ્તારોમાં વધુ ભયાનક સાઉથ આફ્રિકન વેરિએન્ટ પ્રસરી રહ્યો હોવાની ચિંતા સાથે ડોર-ટુ-ડોર ટેસ્ટિંગ શરુ કરી દેવાયું છે. આરોગ્ય અધિકારીઓ ઉપરાંત, સ્થાનિક પોલીસ, કાઉન્સિલર્સ અને ફાયર ફાઈટર્સ સરના વોકિંગ, વેસ્ટ મિડલેન્ડ્સના વોલસાલ તેમજ લંડન, કેન્ટ, હર્ટફોર્ડશાયર અને લેન્કેશાયરના વિસ્તારોમાં કોરોના વાઈરસના લક્ષણો ધરાવતા કે વિનાના ૮૦,૦૦૦ રહેવાસીઓનું પરીક્ષણ કરાવવાની કામગીરીમાં જોડાઈ ગયા છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું છે કે બ્રિટને નવા વેરિએન્ટનો સખત સામનો કરવો પડશે. બ્રિટનમાં અત્યાર સુધી કુલ ૯.૨ મિલિયનથી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.
સપ્તાહો અગાઉ સાઉથ આફ્રિકન વેરિઅન્ટની ચેતવણી
દેશમાં કોરોના વાઈરસનો સાઉથ આફ્રિકન વેરિઅન્ટ ફેલાતો હોવાનું બહાર આવ્યું તેના સપ્તાહો અગાઉ સરકારના વૈજ્ઞાનિક સલાહકારોએ સાઉથ આફ્રિકન વેરિઅન્ટ બાબતે ચેતવણી આપી હતી કે તમામ પ્રવાસીઓ માટે ફરજિયાત હોટેલ ક્વોરેન્ટાઈન કરાય તો જ વાઈરસના નવા સ્ટ્રેન્સને દેશમાં આવતા અટકાવી શકાશે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ગત સપ્તાહે જ સાઉથ આફ્રિકા સહિત ૩૦ હાઈ રિસ્ક દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે મર્યાદિત હોટેલ ક્વોરેન્ટાઈન પગલાં જાહેર કર્યા હતા. સલાહકારી જૂથ (Sage) દ્વારા સલાહ અપાઈ હતી કે ભૌગોલિક લક્ષ્ય સાથે ટ્રાવેલ પ્રતિબંધો નવા સ્ટ્રેન્સને અટકાવવા પૂરતાં નહિ રહે. આના માટે તમામ સરહદો બંધ કરવી અથવા બ્રિટનમાં પ્રવેશ કરનારા તમામ માટે ફરજિયાત ક્વોરેન્ટાઈન પગલાં આવશ્યક હોવાનું વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે સરહદો બંધ કરવાની તરફેણ કરી હતી પરંતુ, જ્હોન્સને તેમની સલાહ અવગણી હતી.














