ઈંગ્લેન્ડમાં ૫થી ૧૧ વર્ષના બાળકોને પણ કોવિડ વેક્સિન આપવાનો નિર્ણય

Wednesday 23rd February 2022 03:27 EST
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં ૫-૧૧ વયજૂથના તમામ બાળકોને પણ એપ્રિલ મહિનાથી કોવિડ વેક્સિન ઓફર કરવામાં આવશે. નિષ્ણાતોના કહેવા મુજબ જોખમની સરખામણીએ લાભ વધુ હોવાથી નાના બાળકોને ફાઈઝર/ બાયોએનટેક વેક્સિન આપી શકાશે. જોકે, આનો નિર્ણય પેરન્ટ્સ હસ્તક રહેશે તેમ પણ ભારપૂર્વક જણાવાયું છે.

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે નાના બાળકોને અપાનારી વેક્સિનને અતિ તાકીદની ગણાવી નથી. એપ્રિલ મહિનાથી ફાર્મસીઝ, જીપી સર્જરીઝ અને વેક્સિનેશન સેન્ટર્સમાં Pfizer/BioNTechના ડોઝ અપાશે. જાવિદે જણાવ્યું હતું કે NHS દ્વારા બાળકોને એપ્રિલ મહિનાથી વેક્સિન ઓફર કરવામાં આવશે જેથી પેરન્ટ્સ પોતાના બાળકોને પ્રથમ ડોઝ અપાવવા બાબતે નિર્ણય કરી શકે. જોઈન્ટ કમિટી ફોર વેક્સિનેશન એન્ડ ઈમ્યુનાઈઝેશન (JCVI) દ્વારા નાના બાળકોને વેક્સિનના ફાયદા અને ગેરલાભ બાબતે મહિનાઓ સુધી વિચારણા બાદ ૫-૧૧ વયજૂથના તમામ બાળકોને પણ વેક્સિન પ્રોગ્રામમાં આવરી લેવાની ભલામણ કરાઈ છે. વેલ્સ અને સ્કોટલેન્ડમાં આ વયજૂથના બાળકોને વેક્સિનેશન પ્રોગ્રામમાં આવરી લેવાયાં છે.

JCVIએ જણાવ્યું છે કે નાના બાળકોને વેક્સિન આપવા પાછળનો હેતુ ભવિષ્યમાં કોરોના વાઈરસની સંભવિત લહેરમાં ગંભીર બીમારીની શક્યતા સામે રક્ષણનો છે. જોકે, MMR અને HPV સહિત બાળપણના અન્ય વેક્સિનેશન પ્રોગ્રામને વધુ પ્રાથમિકતા અપાશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ૧૨-૧૫ વયજૂથના બાળકોને વેક્સિન આપવા જાહેરાત કરાઈ હતી. આ પછી બીજો ડોઝ અને કેટલાક ખાસ કેસમાં બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરાઈ હતી. તમામ ૧૬ અને ૧૭ વર્ષના ટીનેજર્સને કોવિડ વેક્સિનના બે ડોઝ અને બૂસ્ટર ડોઝ માટે લાયક ગણાવાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter