લંડનઃ ઈંગ્લેન્ડમાં એપ્રિલના પૂર્વાર્ધમાં ૧૦માંથી ૭ (૬૮ ટકા) પુખ્ત લોકોને કોવિડ-૧૯ એન્ટીબોડીઝનું રક્ષણ મળ્યું હોવાનું સત્તાવાર અંદાજોમાં જણાવાયું છે. બે સપ્તાહ અગાઉ આ પ્રમાણ ૫૩ ટકા હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડાથી સ્પષ્ટ થયું હતું.
ONSના ઈન્ફેક્શન સર્વેમાંમાં પ્રતિનિધિરુપ પરિવારોના જૂથના બ્લડ સેમ્પલ્સ લેવાયા હતા જેમાં સમયાંતરે વાઈરસ અને એન્ટિબોડીઝ માટે ટેસ્ટિંગ કરાય છે. જોકે, આ આંકડામાં હોસ્પિટલ્સ અને કેર હોમ્સ જેવા સરકારી સ્થળોનો સમાવેશ કરાયો નથી. ૧૧ એપ્લે પૂર્ણ થયેલા સપ્તાહમાં ૧૮ વર્ષથી વધુના ૬૮ ટકા લોકોમાં એન્ટિબોડીઝ જોવા મળ્યા હતા. સંશોધકોએ જણાવ્યું હતું કે આ જ સપ્તાહમાં વેલ્સમાં ૬૧ ટકા, નોર્ધર્ન આયર્લેન્ડમાં ૬૨.૫ ટકા અને સ્કોટલેન્ડમાં ૫૮ ટકા પુખ્તો કોવિડ ૧૯ સામે રક્ષણ આપતા એન્ટિબોડીઝ બાબતે પોઝિટિવ ટેસ્ટ આવ્યા હતા.
આ સર્વેના સીનિયર આંકડાશાસ્ત્રી સારાહ ક્રોફ્ટ્સે જણાવ્યું હતું કે યુકેના ચાર દેશોમાં એન્ટિબોડીઝ લેવલમાં જે વધારો જોવા મળ્યો છે તે વધી રહેલા વેક્સિનેશનની સફળતા દર્શાવે છે. લોકડાઉનમાંથી બહાર આવી રહ્યા છીએ ત્યારે આ પ્રકારનું એન્ટિબોડીઝ લેવલ પ્રોત્સાહક છે.
૭૦-૭૪ વયજૂથમાં લગભગ ૮૮ ટકા, ૮૦ વર્ષથી વધુના વયજૂથમાં લગભગ ૮૭ ટકા, ૬૦-૬૪ વયજૂથમાં લગભગ ૮૬ ટકા લોકો એન્ટિબોડીઝ પોઝિટીવ રહ્યા હતા જ્યારે, ૧૬-૨૪ વયજૂથમાં આ પ્રમાણ ઓછું એટલે કે લગભગ ૪૭ ટકા રહ્યું હતું.