ઈંગ્લેન્ડમાં ‘રૂલ ઓફ સિક્સ’ લાગુ

Wednesday 16th September 2020 04:56 EDT
 
 

લંડનઃ યુકેમાં કોવિડ-૧૯ના દૈનિક કેસ લગભગ ૩,૦૦૦ના આંકડે પહોંચી જતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડ માટે સોમવારથી નવા ‘રુલ ઓફ સિક્સ’ નિયંત્રણો લાગુ કર્યા છે. છ મહિના સુધી પણ અમલમાં રહી શકે તેવા આ નિયમો મુજબ ૬થી વધુ વ્યક્તિના સામાજિક મેળમિલાપ થઈ શકશે નહિ. જોકે, ઓફિસના કામકાજ કે શાળામાં શિક્ષણ માટે આવતા લોકોને નિયમ લાગુ પડશે નહિ.
આ ઉપરાંત, કોઈ પરિવાર અથવા સપોર્ટ બબલમાં ૬થી વધુ વ્યક્તિ હોય તો તેને આ નિયમ લાગુ પડશે નહિ. નિયંત્રણના નવા નિયમ અંતર્ગત, પોલીસ ૬થી વધુ વ્યક્તિ એકત્ર થઈ હોય ત્યાં ધરપકડનું શસ્ત્ર અજમાવી શકશે. નિયમભંગ કરનારાને ૧૦૦ પાઉન્ડનો દંડ કરાશે અને વારંવારના ભંગ સાથે દંડ બમણો થઈને ૩,૨૦૦ પાઉન્ડ સુધી પહોંચી શકે છે.

તો કરફ્યુ લદાઇ શકે છે

મહત્ત્વની બાબત એ પણ સામે આવી છે કે આ નિયમ મુદ્દે જ્હોન્સન કેબિનેટમાં મતભેદો પણ જોવા મળ્યા હતા. સ્કોટલેન્ડ અને વેલ્સમાં બાળકોનો આ નિયમમાં સમાવેશ કરાયો નથી ત્યારે ઈંગ્લેન્ડમાં બાળકોને પણ આવરી લેવાતાં રોષ વ્યાપ્યો છે. આ કઠોર પગલાં છતાં, કેસીસ અંકુશ હેઠળ નહિ આવે તો હવેનું પગલું કરફ્યુ લાદવાનું પણ હોઈ શકે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
વડા પ્રધાન જ્હોન્સને પ્રેસ કોન્ફરન્સમાં માર્ચ પછી પહેલી વખત ઈંગ્લેન્ડમાં ૬થી વધુ વ્યક્તિના સામાજિક મેળમિલાપ પર પ્રતિબંધના નવા કઠોર કોરોના વાઈરસ નિયંત્રણો જાહેર કરતી વેળા ચેતવણી આપી હતી કે આ નિયંત્રણ મહિનાઓ સુધી અમલમાં રહી શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પરિવારોને અલગ રાખવાના વિચારથી તેમને દુઃખ થાય છે પરંતુ, વાઈરસ કેસીસને અંકુશમાં લાવવા આ જરુરી છે.
જ્હોન્સને ઉમેર્યું હતું કે યુવાવર્ગમાં પાર્ટીઓની રેલમછેલે પરિસ્થિતિ ગંભીર બનાવી છે. ક્રિસમસ અગાઉ યુકેમાં પરિસ્થિતિ નોર્મલ બનાવવાની જ્હોન્સનની ઈચ્છા પર પાણી ફરી રહ્યું છે.
ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટીએ કહ્યું હતું કે ઓગસ્ટ પછી ૧૭-૧૮ અને ૧૯-૨૧ વયજૂથના યુવાવર્ગ (Generation Z)માં કોરોના વાઈરસ કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.
જો કોઈ એક્શન ન લેવાય તો કેસમાં સતત વધારા સાથે બ્રિટનમાં રોગચાળાની સ્થિતિ વકરી શકે છે. ગત સપ્તાહમાં કોરોના કેસીસ ૧૨.૫ પ્રતિ ૧૦૦,૦૦૦થી વધીને ૧૯.૭ થયા હતા અને સંક્રમણ દર પણ ૧થી ઉપર પહોંચ્યો છે. હેલ્થ સેક્રેટરી હેનકોકે સ્પષ્ટ કર્યું છે કે જરુર જણાશે તો વધુ કડક પગલાં લેવાશે. તેમણે બેલ્જિયમની પ્રશંસા કરી હતી જ્યાં, સામાજિક મેળમિલાપને નિયંત્રિત કરવા દેશભરમાં રાત્રે ૧૦ વાગ્યાથી કરફ્યુ
લદાયો છે.

કેબિનેટમાં ભારે મતભેદ

‘રુલ ઓફ સિક્સ’ મુદ્દે જ્હોન્સન કેબિનેટમાં મતભેદો બહાર આવ્યા છે. વડા પ્રધાનની હાઈ પાવર્ડ કોવિડ કમિટીના મોટા ભાગના મિનિસ્ટર છ વ્યક્તિની સંખ્યાની વિરુદ્ધ અને આઠની સંખ્યા રાખવાની તરફેણમાં હતા.
 ખુદ વડા પ્રધાન આ સંખ્યા બાબતે અવઢવમાં હતા પરંતુ, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક તેમજ ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટી અને ચીફ સાયન્ટિફિક એડવાઈઝર સર પેટ્રિક વોલેન્સના ભારે દબાણ પછી સંમત થયા હતા.
અત્યારે કાયદેસર ૩૦ વ્યક્તિ મેળાવડામાં જોડાઈ શકે છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાકે સંખ્યાને ઓછામાં ઓછી આઠ સુધી મર્યાદિત કરવા સૂચન કર્યું હતું. બિઝનેસ સેક્રેટરી આલોક શર્મા પણ સંખ્યામર્યાદા વધારવાના મતના હતા. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સ અને માઈકલ ગોવે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સિંગથી લોકોના જીવન અને અર્થતંત્ર પર ભારે અસર પડશે તેવી ચિંતા સીનિયર મિનિસ્ટર્સે દર્શાવી હતી અને છ વ્યક્તિના નિયમમાં બાળકોની ગણતરી કરવામાં ન આવે તેવી પણ માગણી થઈ હતી.

દરરોજ ૩,૨૦૦ને સંક્રમણ

ઈમ્પિરિયલ કોલેજ લંડનના REACT-1 અભ્યાસ મુજબ મહામારીનું કદ દર સાતથી આઠ દિવસમાં બમણું થઈ રહ્યું છે. કોરોના વાઈરસ કટોકટીની શરુઆતમાં રોગચાળો બમણો થવાનું પ્રમાણ દર ત્રણ દિવસનું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અનુસાર શુક્રવાર, ૧૨ સપ્ટેમ્બરે વધુ ૩,૫૩૯ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા અને છ વ્યક્તિના મોત થયા હતા. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સનો ડેટા જણાવે છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં દરરોજ ૩,૨૦૦ લોકોને સંક્રમણ લાગે છે, જે અગાઉના સપ્તાહના ૨,૨૦૦ના સંક્રમણના ૪૫ ટકાનો ઉછાળો સૂચવે છે.
એક અભ્યાસ મુજબ, ઈંગ્લેન્ડમાં સંક્રમણ દર ‘૧.૭’ જેટલો ઊંચો ગયો છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે લોકોને મહામારીનો અંત આવ્યો નથી તેવી ચેતવણી આપવા સાથે જણાવ્યું હતું કે ઈન્ફેક્શન્સમાં ઉછાળો સરકારના નવા ‘રુલ ઓફ સિક્સ’ નિયમને વાજબી ઠરાવે છે. ઓગસ્ટ ૨૨થી સપ્ટેમ્બરના ગાળામાં પ્રતિ ૧૦,૦૦૦ વ્યક્તિએ ૧૩ વ્યક્તિને ચેપ લાગ્યો હતો જ્યારે, જુલાઈ ૨૪થી ઓગસ્ટ ૧૧ સુધીના ગાળામાં આ પ્રમાણ પ્રતિ ૧૦,૦૦૦ વ્યક્તિએ ૪ વ્યક્તિનું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter