લંડનઃ યુકેમાં સૌથી જૂના એશિયન સંગઠનોમાંની એક અને ૫૦ વર્ષ અગાઉ ૧૯૬૬માં સ્થાપિત ઈન્ડિયા વેલ્ફેર સોસાયટી દ્વારા ૨૮ મેએ કેન્સાલ ક્લબ ખાતે કવિ સંમેલન/ મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનમાં ચાન્સેરીના વડા સુનીલ કુમાર હતા. સોસાયટી દ્વારા ભારતીય ભોજન પીરસાયા પછી કાર્યક્રમનો આરંભ થયો હતો.
સોસાયટીના પ્રમુખ સુરેશ ગુપ્તાએ મહેમાનોનું સ્વાગત કરી હઝરતે દિલ-ફેંક મોરાદાબાદી (રમેશ વૈશ)નો પરિચય કરાવ્યો હતો, જેમણે કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે ભાગ લેનારા કવિઓનો વારાફરતી પરિચય આપ્યો હતો. કવિ સંમેલનમાં સુશ્રી ચંદ્રાદેવી, અબ્દુલ રઝાક, સાજિદ રાણા, અબ્દુલ કાદિર કૌકાબ, બલવંતસિંહ બેવારા, સુશ્રી શશી માથુર, અશ્વિન પંડ્યા, ડો. જમાલ સૂરી, હારૂન રશીદ, સાથી રુધિયાનવી, ચમન લાલ ચમન, એસ.એન.લાલ ‘તન્હા’, સરવત ઈકબાલ, સુશ્રી જગજિત શેખોં, યુનાસ અવાન અને રિઆસત રિઝવી સહિત ૧૬ કવિઓ દ્વારા સુંદર કવિતાઓનું કાવ્યપઠન કરવામાં આવ્યું હતું.
ભારતીય હાઈ કમિશનમાં ચાન્સેરીના વડા સુનીલ કુમારે સંમેલનના આયોજક ઈન્ડિયા વેલ્ફેર સોસાયટી અને કવિઓની પ્રશંસા કરી ઈનામવિતરણ કર્યું હતું. સંસ્થાના ઉપપ્રમુખ ભરત ગુપ્તાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.


