લંડનઃ બાળકો નહિ ધરાવતાં લોકોને ઈન્હેરિટન્સ ટેક્સની ૨૦૧૭થી અમલમાં આવનારી નવી £૧ મિલિયનની મર્યાદાનો લાભ નહિ અપાવાના કારણે ભારે નુકસાન જવાનો મત પ્રવર્તે છે. ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને બજેટમાં જાહેર કરેલી નીતિમાં ‘ફેમિલી હોમ એલાવન્સ’ માટે નિઃસંતાન લોકોને પાત્ર ગણાયાં નથી. નવી મર્યાદા સીધા વારસદાર ધરાવતા લોકોનો જ વિચાર કરે છે. સરકાર પર આ નીતિ રદ કરવાનું દબાણ વધી રહ્યું છે. આ નીતિમાં ભાણેજ-ભત્રીજા, ભાણજી-ભત્રીજીઓ, ગોડચિલ્ડ્રન્સ, સગાં ભાઈ-બહેન, પેરન્ટ્સ અથવા મિત્રોને પણ વારસામાં સંપત્તિ આપવા ઈચ્છતાં નિઃસંતાન લોકો સામે ભેદભાવ હોવાની લાગણી ઉઠી છે.
એપ્રિલ ૨૦૧૭થી દંપતીઓ £૮૫૦,૦૦૦ના મૂલ્ય સુધીનું મકાન વારસામાં આપી શકે છે, જે માટે તેમના બાળકો અથવા ગ્રાન્ડચિલ્ડ્રન્સને ઈન્હેરિટન્સ ટેક્સ ભરવાનો થશે નહિ. આ મર્યાદા ૨૦૨૦ સુધીમાં વધીને £૧,૦૦૦,૦૦૦ની થશે. અત્યારે કોઈ પણ વ્યક્તિ પ્રોપર્ટી, શેર્સ, કેશ, જ્વેલરી અને કાર સહિત મહત્તમ £૩૨૫,૦૦૦ની સંપત્તિ ટેક્સ ફ્રી વારસામાં આપી શકે છે. આનાથી વધુ કિંમતની એસ્ટેટ હોય તો વારસદારોઓ ૪૦ ટકા ઈન્હેરિટન્સ ટેક્સ (IHT) ભરવાનો થાય છે. પરીણિત દંપતીઓ અને સિવિલ પાર્ટનર્સ માટે મહત્તમ £૬૫૦,૦૦૦ના મૂલ્યની સંપત્તિ વારસામાં આપવી શક્ય બને છે. જેનો લાભ સીધા વારસદારોને વારસામાં અપાતી સંપત્તિ પર જ મળી શકે છે. વારસદારોમાં ઓરમાન, દત્તક લેવાયેલા અને પાલ્ય સંતાનોનો પણ સમાવેશ થાય છે.
એપ્રિલ ૨૦૧૭થી તમામ માટે પ્રાપ્ત £૩૨૫,૦૦૦ના ફ્લેટ રેટ ઉપરાંત, વ્યક્તિ વધારાના £૧૭૫,૦૦૦ની રાહત મેળવી શકશે, જે ૨૦૨૦ સુધીમાં પ્રોપર્ટી માલિક માટે £૫૦૦,૦૦૦ અને દંપતી માટે £૧,૦૦૦,૦૦૦ની રાહત થશે. આ વધારાનું એલાવન્સ માત્ર પ્રોપર્ટીને જ લાગુ પડશે એટલે કે જેઓ મકાનમાલિક નથી તેવા કોઈને તેની રાહત નહિ મળે. થિન્ક ટેન્ક ઈન્સ્ટિટ્યુટ ફોર પબ્લિક પોલીસી રીસર્ચ અનુસાર ૨૦૩૦ સુધીમાં ૬૫ વર્ષથી વધુ વયના પુખ્તોની સંખ્યા બે મિલિયનથી વધુ હશે, જે આંકડો ૨૦૧૨માં ૧.૨ મિલિયન હતો.