લંડનઃ બ્રિટનમાં ગત દસ વર્ષમાં વારસામાં મોટી રકમો આપી જાય તેવા વયોવૃદ્ધ લોકોની સંખ્યા બમણી થયાનું કહેતા થિન્ક ટેન્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિસ્કલ સ્ટડીઝે વારસા વેરો ચુકવનારાં લોકોની સંખ્યામાં તીવ્ર વધારો થશે તેવી ધારણા દર્શાવી છે. વર્ષ ૨૦૦૩-૨૦૧૩ના ગાળામાં ૮૦ વર્ષથી વધુ વયના લોકોની સંપત્તિ ૪૫ ટકા વધી છે, જ્યારે પરિવારોને વારસામાં ૧૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ આપી જવાનું માનનારાં લોકોની સંખ્યા ૨૪ ટકાથી વધી ૪૪ ટકા થઈ છે.
વૃદ્ધોમાં સંપત્તિનો વધારો ધરમાલિકોની સંખ્યામાં અને મકાનોની ઊંચી કિંમતોના લીધે થયો છે. બીજી તરફ, ઈન્હેરિટન્સ ટેક્સ ચુકવતા પરિવારોની સંખ્યા પણ તાજેતરના વર્ષોમાં વધી છે અને ૨૦૧૬માં ડેથ ડ્યૂટીઝનું કુલ બિલ પહેલી વખત ૪ બિલિયન પાઉન્ડને વટાવી ગયું છે.
વ્યક્તિગત ૩૨૫,૦૦૦ પાઉન્ડ અને દંપતી માટે ૬૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ સંપત્તિ હોય તો ઈન્હેરિટન્સ ટેક્સ લાગુ પડે છે. આ વર્ષથી રેસિડેન્સિયલ પ્રોપર્ટી સંપતિમાં તબક્કાવાર ૧૭૫,૦૦૦ પાઉન્ડ વધારાના દાખલ કરી ૨૦૨૦ સુધીમાં કુલ એક મિલિયન પાઉન્ડની મર્યાદા લાવી દેવાશે.


