લંડનઃ કન્સલ્ટેશન પ્રક્રિયામાં ચોતરફથી ભારે વિરોધ છતાં સરકાર ઈમિગ્રેશન અને એસાઈલમ કેસીસ માટે સુનાવણીનો ખર્ચ નીકળી શકે તે માટે કોર્ટ ફીમાં ૫૦૦ ટકા સુધીનો વધારો કરશે. મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ દ્વારા આ નિર્ણયને સમર્થન અપાયું છે. આનો અર્થ એ છે કે ઈમિગ્રેશન અને એસાઈલમ કેસીસ હાથ ધરતી ફર્સ્ટ-ટીઅર ટ્રિબ્યુનલને દસ્તાવેજો માટે નિર્ણયની અરજીની ફી ૮૦ પાઉન્ડ છે તે વધીને ૪૯૦ પાઉન્ડ, જ્યારે મૌખિક સુનાવણી માટે ફી ૧૪૦ પાઉન્ડ છે તે વધીને ૮૦૦ પાઉન્ડ થશે.
અપર ટ્રિબ્યુનલમાં સૌપ્રથમ વખત અપીલ માટે પણ ફી દાખલ કરાઈ છે, જેમાં એપ્લિકેશન્સ માટે ૩૫૦ પાઉન્ડ અને મૌખિક સુનાવણી માટે ૫૧૦ પાઉન્ડ ફી લેવાશે. કન્સલ્ટેશન પ્રક્રિયામાં એક અંદાજ અનુસાર વર્તમાન ફીથી મળતી સાત મિલિયન પાઉન્ડ ઉપરાંત, વાર્ષિક વધુ ૩૪ મિલિયન પાઉન્ડ મળશે. અત્યારે બંને ટ્રિબ્યુનલનો અંદાજિત ખર્ચ ૮૬ મિલિયન પાઉન્ડ છે.
કન્સલ્ટેશન પ્રક્રિયાના પગલે મિનિસ્ટર્સ દ્વારા એક રાહત અપાઈ છે. હોમ ઓફિસ દ્વારા જે ઈમિગ્રેશન અને એસાઈલમ અરજદારોનું મૂલ્યાંકન નિરાધાર કે નિરાશ્રિત તરીકે કરાયું છે તેમણે ટ્રિબ્યુનલ ફીસ ચુકવવી નહિ પડે. એસાઈલમ સપોર્ટ અથવા કાનૂની સહાય મેળવવા જે લોકો ક્વોલિફાય થાય છે તેમના સહિત માટે વર્તમાન માફી યથાવત રહેશે.
જસ્ટિસ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે ફી વધારવાથી ઈમિગ્રેશન અને એસાઈલમ ટ્રિબ્યુનલ્સનું ભંડોળ સિરક્ષિત રહેશે અને ફી માફી યોજનાથી સૌથી અસલામત અરજદારોને ન્યાયની સુવિધાનું રક્ષણ થશે. કન્સલ્ટેશન પ્રક્રિયામાં લંડનમાં હેમરસ્મિથ અને કેમ્બરવેલ ગ્રીન મેજિસ્ટ્રેટસ કોર્ટ બંધ કરવાની પણ જાહેરાત કરાઈ હતી.


