ઈમિગ્રેશન ઘટાડવા સ્ટુડન્ટ વિઝા નિયમોને વધુ કડક બનાવાશે

Tuesday 26th July 2016 05:59 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મે નેટ ઈમિગ્રેશન ઘટાડવાના વધુ એક પગલા તરીકે યુનિવર્સિટીઓ દ્વારા સ્ટુડન્ટ વિઝા આપવાના નિયમોને વધુ કડક બનાવી શકે છે. યુકે યુનિવર્સિટીમાં અભ્યાસના અરજદારોને અપાતા સ્ટુડન્ટ વિઝાની સંખ્યાની ચકાસણી હાથ ધરવાની વડા પ્રધાનની યોજના છે. તેમણે ડેવિડ કેમરન હાંસલ કરવામાં નિષ્ફળ ગયા હતા તે નેટ ઈમિગ્રેશન લક્ષ્યાંક ૧૦૦,૦૦૦થી નીચે લાવવા તરફ કટિબદ્ધતા જાહેર કરી છે.

વડા પ્રધાન થેરેસા મે માને છે કે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આર્થિક માઈગ્રન્ટ્સ દ્વારા બ્રિટનમાં પ્રવેશ માટે સરળ માર્ગ બની છે. આથી, યુનિવર્સિટીઓ સહિતની સંસ્થાઓ પર ત્રાટકવાની નવી સરકારની યોજના છે. હોમ ઓફિસ અને શિક્ષણ વિભાગ માપદંડોને કેવી રીતે કડક બનાવી શકાય તે વિચારવા સ્ટુડન્ટ વિઝાના નિયમોની ફેરચકાસણી કરશે. હોમ સેક્રેટરી તરીકે પણ થેરેસા મેએ વધુ અભ્યાસ માટે યુકે આવનારા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાની સંખ્યા મર્યાદિત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુનિવર્સિટીઓએ ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓ પર આધારિત રહેવું ના પડે તેવું ટકાઉ ભંડોળ માળખું વિકસાવવું જોઈશેની દલીલ મે કરી રહ્યાં છે.

વિચારાધીન પગલાંમાં યુનિવર્સિટીઓને તેમના અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને બ્રિટનમાં કામ કરવાની તક આપશે તેવું માર્કેટિંગ કરવાથી અટકાવવી, નબળી યુનિવર્સિટીઓમાં કહેવાતી ‘મિકી માઉસ’ ડીગ્રીઓ પર કડક નિયંત્રણો તેમજ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પછી સ્વદેશ પરત જાય તેવા પ્રોટોકોલ્સનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter