લંડનઃ મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસે ઈમિગ્રેશન ટ્રિબ્યુનલ્સ માટે લાગુ કરેલો ૫૦૦ ટકા ફી વધારો પાછો ખેંચવાની નાટ્યાત્મક જાહેરાત કરી છે. જાહેર પરામર્શમાં જનતાના ભારે વિરોધના પગલે આ પગલું લેવાયું છે. ઈમિગ્રેશન ટ્રિબ્યુનલ ફી અંગે જાહેર પરામર્શમાં ૧૪૭માંથી ૧૪૨ પ્રતિભાવમાં સૂચિત ફેરફાર સામે વિરોધ કરાયો હતો. જોકે, ફીના ધોરણો સુધારવા માટે મિનિસ્ટર્સ હજુ કટિબદ્ધ છે. આ ફી વધારાથી વર્ષે ૩૪ મિલિયન પાઉન્ડ મળવાની આશા હતી.
કોર્ટ્સ અને જસ્ટિસ વિભાગ માટે જવાબદાર મિનિસ્ટર સર ઓલિવર હીલ્ડે પાર્લામેન્ટરી નિવેદનમાં જણાવ્યું હતું કે હવે તમામ અરજદારો પાસેથી જૂના ધોરણે ફી સ્વીકારાશે અને જેમણે નવા દરે ફી ભરી હશે તેમને વધારાની રકમ પરત કરાશે. જોકે, તેમણે જણાવ્યું હતું કે જે લોકો આપણી કોર્ટ્સ અને ટ્રિબ્યુનલ્સનો ઉપયોગ કરે છે તેમના માટે પી વધારવી યોગ્ય હોવાનું સરકાર માને છે. લો સોસાયટી ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ દ્વારા ફીવધારો રદ થવાને આવકાર અપાયો છે.
ઈમિગ્રેશન અને એસાઈલમ કેસીસનો હવાલો ધરાવતી ફર્સ્ટ-ટિયર ટ્રિબ્યુનલને અરજીનો દર આ ઓટમથી ૮૦ પાઉન્ડથી વધારીને ૪૯૦ પાઉન્ડ કરાયો હતો, જ્યારે મૌખિત સુનાવણીની ફી ૧૪૦ પાઉન્ડથી વધારીને ૮૦૦ પાઉન્ડ કરાઈ હતી. સૌપ્રથમ વખત અપર ટ્રિબ્યુનલમાં કરાતી અપીલોનો ચાર્જ દરેક અરજી માટે ૩૫૦ પાઉન્ડ અને અપીલ સુનાવણી માટે ૫૧૦ પાઉન્ડ રખાયો હતો.
પૂર્વ જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવ દ્વારા ઈમિગ્રેશન ટ્રિબ્યુનલ ફી વધારો દાખલ કરાયો હતો. તેઓ પ્રથમ વખત જસ્ટિસ સેક્રેટરી બન્યા ત્યારે તેમણે પુરોગામી દ્વારા લીગલ ફીમાં કરાયેલા અનેક વધારા રદ કર્યા હતા.


