લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સ અને ખરેખર તો બ્રિટિશ પાર્લામેન્ટના કેલેન્ડરમાં ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી મહત્ત્વના દિવસ બની રહ્યા હતા. યુરોપિયન યુનિયનથી અળગા થવાના મુદ્દે વાટાઘાટોમાં છૂટો દોર આપવાની સરકારની માગણી સામે હાઉસ ઓફ કોમન્સ ઝૂકી ગયું હતું ત્યારે સૌની આશા હાઉસ ઓફ લોર્ડ્સ પર ટકી હતી. બે દિવસમાં ૧૮૭ ઉમરાવે ચર્ચામાં ભાગ લીધો હતો. લોર્ડ પટેલ, લોર્ડ કક્કર, લોર્ડ અલી, લોર્ડ દેસાઈ અને લોર્ડ પારેખ સહિત છ ભારતીય ઉમરાવ ચર્ચામાં જાડાયા હતા. લોર્ડ ભીખુ પારેખનું પ્રવચન મનનીય અને પ્રોફેશનલ અભિગમ ધરાવતું હતું, જેની ભારે પ્રશંસા થઈ હતી. લોર્ડ પારેખે ઈમિગ્રેશન તો ઊંચું જ રહેશે તેમ પણ જણાવ્યું હતું.
લોર્ડ પારેખે જણાવ્યું હતું કે,‘રેફરન્ડમ થકી મુખ્ય ત્રણ પ્રશ્ન ઉદ્ભવ્યા હતા. પ્રથમ તો એ કે તેનો બંધારણીય દરજ્જો શું છે? બીજુ એ કે તે આપણને શેના તરફ પ્રતિબદ્ધ બનાવે છે? અને ત્રીજો એ છે કે આપણે જે હાંસલ કરવા માગતા હતા તે હાંસલ થયું, તેના પછી શું?’
‘રેફરન્ડમનો બંધારણીય દરજ્જો મોટા ભાગે સલાહકારી હોય છે. પ્રાઈમ મિનિસ્ટર અને અન્યોએ ભિન્ન મત દર્શાવ્યો છે. જો તેને આદેશાત્મક ગણાવીએ તો પાર્લામેન્ટરી સાર્વભૌમત્વના સિદ્ધાંત સામે પ્રશ્ન ઉઠાવવા સમાન થશે, જે આપણી રાજકીય સિસ્ટમનો બંધારણીય આધાર છે. આદેશાત્મક નહિ અને સલાહકારી પ્રસ્તાવ હોવાથી દરેક સાંસદે રેફરન્ડમ જે કહે છે કે તે સરળતાથી સ્વીકાર્યા વિના તેના પર ગંભીરતાથી વિચારી શ્રેષ્ઠ નિર્ણય આપવો જોઈએ. સલાહકારી જનમતના પરિણામે, સાંસદ ડહાપણભર્યો નિર્ણય આપવાની સ્વતંત્રતા અને જવાબદારી જાળવી રાખે છે.’ ‘આ જ સિદ્ધાંત હાઉસ ઓફ લોર્ડ્સને લાગુ પડે છે. આપણે ચૂંટાયેલા ન હોવા છતાં પ્રતિનિધિઓ છીએ.’
રેફરન્ડમથી આપણે કેવી રીતે બંધાઈએ છીએ તે બીજા પ્રશ્નના ઉત્તરમાં લોર્ડ પારેખે જણાવ્યું હતું કે,‘કેટલાક લોકો માને છે કે જનમત આપણને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવા કટિબદ્ધ બનાવે છે. જો ૫૨ ટકા બહાર જવા માગતા હોય અને ૪૮ ટકા સાથે રહેવા માગતા હોય તો મારા મતે લોકમતનો સંદેશો એ છે કે યુનિયનમાંથી એવી રીતે નીકળીએ કે તેના સભ્ય પણ બની રહીએ. યુનિયનમાંથી બહાર નીકળીએ પરંતુ, ૪૦ વર્ષના સભ્યપદ દરમિયાન આપણા સ્થાપિત ધોરણો નીચાં થાય તેવું કશું કરવું ન જોઈએ કે તેવી શરતો સ્વીકારવી ન જોઈએ.‘આપણે વર્કર્સના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ, યુકેને નબળું ન પાડવું જોઈએ, આપણે માનવ અધિકારોનું અને યુકેમાં રહેતા ઈયુ નાગરિકોના અધિકારોનું ગૌરવ જાળવવું જોઈએ.’
બ્રેક્ઝિટ ચર્ચામાં ઈમિગ્રેશન કેન્દ્રીય મુદ્દો છે ત્યારે લોર્ડ પારેખે જણાવ્યું હતું હતું કે ‘આપણે ઈમિગ્રેશન મુદ્દે પર મોટું વળગણ રાખવું ન જોઈએ. આપણા લેબર માર્કેટની સ્થિતિ તેમજ જે દેશો સાથે આપણે વેપારી સોદાઓ કરીશું તેમાં લોકોની હેરફેરના મુદ્દા સંકળાશે જ આથી, ઈમિગ્રેશન તો ઉંચું રહેવાનું જ છે.’
આ પછી, લોર્ડ પારેખે ત્રીજા પ્રશ્ન વિશે જણાવ્યું હતું કે,‘એક વખત સમજૂતી-સમાધાનની શરતો પર સંમતિ સધાય પછી શું કરીશું? નિશ્ચિતપણે લોકોએ તેને બહાલી આપવાની રહેશે. સામાન્ય રીતે આપણી રાજકીય પદ્ધતિ પાર્લામેન્ટરી સંપ્રભૂતા આધારિત હોવાથી પાર્લામેન્ટ દ્વારા આ પરિસ્થિતિ હલ કરાવી જોઈએ પરંતુ, પહેલી વખત લોકમતને માન્ય રાખ્યા પછી તેની અવગણના કરવી કે ભવિષ્યમાં બીજી વખત લોકમત નહિ લેવાય તેમ કહેવું તે રાજકીય કાયરતા અને અસાતત્યતા જ ગણાશે. આપણે એકલા જવા માગીએ છીએ. વિશ્વની કોઈ તાકાત આપણને એકલા જતા અટકાવી શકશે નહિ પરંતુ, આમ કરવામાં પણ જોખમો રહેલા છે તે ભૂલવું ન જોઈએ.’


