ઈમિગ્રેશન નિયમોમાં સુધારાથી વાર્ષિક £૭૦ મિલિયનની બચત

Wednesday 22nd January 2020 02:43 EST
 

 લંડનઃ બ્રિટિશ લો કમિશનની નોંધ જણાવે છે કે ‘અત્યંત જટિલ અને કામ નહિ કરતા’ ઈમિગ્રેશન નિયમોમાં સુધારા કરવાથી સરકારને આગામી દસ વર્ષના ગાળામાં આશરે વાર્ષિક ૭૦ મિલિયન પાઉન્ડની બચત થઈ શકે છે. કમિશને ૧૪ જાન્યુઆરી, મંગળવારે જણાવ્યું હતું કે ૨૦૧૦થી કાયદા અને નિયમનોની સંખ્યા ચાર ગણી વધી છે અને તેના મુસદ્દા ઘણા ખરાબ રીતે ઘડાયા છે.

ઈમિગ્રેશન નિયમો સૌપહેલાં ૧૯૭૩માં દાખલ કરાયા ત્યારે ૪૦ પાનામાં તેનો સમાવેશ થઈ જતો હતો હવે નિયમોના પાના વધીને ૧૧૦૦ થયા છે. તેમને વધુ નિર્દોશાત્મક બનાવવાનો હેતુ વધુ પારદર્શક પરિણામો લાવવાનો હતો પરંતુ, તેના કારણે નિયમો પાલન માટે અઘરાં બની ગયા છે. રિપોર્ટે સ્વીકાર્યું છે કે ઈમિગ્રેશન નિયમો દર વર્ષે લાખો લોકોના જીવન પર અસર કરે છે. ‘તેમનું માળખું ગૂંચવાડાભર્યું અને નંબર આપવામાં સાતત્ય નથી. જોગવાઈઓ એકસમાન અથવા લગભગ સરખા શબ્દો ધરાવે છે. મુસદ્દાની સ્ટાઈલ અનેક ક્રોસ-રેફરન્સીસ સાથે સમજમાં ન આવે તેવી છે અને વારંવારના સુધારા તેને વધુ જટિલ બનાવે છે.’ તેમ રિપોર્ટ જણાવે છે.

પબ્લિક લો કમિશનર નિકોલસ પાઈન્સ QCએ નિવેદનમાં જણાવ્યું છે કે,‘ અરજદાર અને કેસ વર્કર બંને માટે ઈમિગ્રેશન નિયમોનું ડ્રાફ્ટિંગ અને વારંવાર અપડેટ્સ તેમને અનુસરવા માટે વધુ મુશ્કેલ બનાવે છે. આનાથી કરદાતાના નાણા અને સમયને વેડફતી ભૂલો થાય છે.’ રિપોર્ટમાં નિયમોને સંપૂર્ણપણે ફરીથી ઘડવા, તેમને વિષય અનુસાર વિભાજિત કરવા અને વર્ષે માત્ર બે વખત અપડેટ્સ કરાય તેવી ભલામણ પણ કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter