ઈમિગ્રેશન સુધારા સ્કીલ્ડ માઈગ્રેશન વધારશે

Wednesday 12th February 2020 03:18 EST
 
 

લંડનઃ ઓસ્ટ્રેલિયન સ્ટાઈલની નવી પોઈન્ટ્સ આધારિત બ્રિટિશ ઈમિગ્રેશન સિસ્ટમની વિગતો નિશ્ચિત કરવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલની મુલાકાત યોજાઈ હતી. આ સિસ્ટમના પગલે આગામી પહેલી જાન્યુઆરીથી બિનકુશળ ઈમિગ્રન્ટ્સ માટે યુકેમાં પ્રવેશનો માર્ગ બંધ થઈ જશે. હોમ ઓફિસના આંકડા અનુસાર નવા નિયમોથી બિનકુશળ ઈયુ માઈગ્રન્ટ્સમાં આશરે ૯૦,૦૦૦નો રાતોરાત ઘટાડો થઈ જશે. યુકેમાં જૂન ૨૦૧૯ સુધી નેટ માઈગ્રેશન ૨૧૨,૦૦૦નું હતું. બીજી તરફ, ૨૦૨૧થી યુકે આવતા કુશળ માઈગ્રન્ટ્સની સંખ્યામાં વધારો થશે. અત્યારે વર્ષે ૬૫,૦૦૦ કુશળ માઈગ્રન્ટ્સ યુકેમાં આવે છે જે ઈયુ અને બિનઈયુ માં સરખા હિસ્સે વહેંચાયેલા છે. ૨૦૨૧થી ઈયુ બહારથી આવનારા કુશળ માઈગ્રન્ટ્સનું પ્રમાણ બે તૃતીઆંશ થવાની આગાહી છે.

નવા નિયમો હેઠળ કુશળ માઈગ્રન્ટ્સને આ માટે પોઈન્ટ્સ મળશે • યોગ્ય કુશળતાના સ્તરે જોબની ઓફર • માન્ય સ્પોન્સર કંપની સાથે જોબની ઓફર • માઈગ્રેશન એડવાઈઝરી કમિટીની તાજેરની ભલામણો અનુસાર વાર્ષિક ઓછામાં ઓછું ૨૫,૬૦૦ પાઉન્ડનું વેતન • અંગ્રેજી ભાષા સારી રીતે બોલવી.

વેતન માટે જે સ્કોર અપાયો હશે તે બદલાવાને પાત્ર રહેશે એટલે કે, લોકોને ૨૩,૦૦૦ પાઉન્ડ વેતન માટે પણ પોઈન્ટ મેળવી શકશે. જેઓનું વેતન ૨૫,૬૦૦ પાઉન્ડથી ઓછું હશે તેમને કુશળતાની અછત હોય તેવા સેક્ટરમાં કામ કરવા બમણો સ્કોર મળશે. ‘અસામાન્ય’ શૈક્ષણિક બેકગ્રાઉન્ડ ધરાવનારને પણ પોઈન્ટ મળશે. તમારી નોકરીને સુસંગત વિષયમાં PhD ડીગ્રી હોવાને સારા અંગ્રેજી બોલવા જેવું જ મહત્ત્વ મળશે.

સુધારાનો બીજો તબક્કો ૨૦૨૧ના ઉત્તરાર્ધમાં આવશે, તેમજઃ

• વય અનુસાર પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ્સ અપાશે. યુવાનોને વધુ પોઈન્ટ અને વૃદ્ધોને ઓછાં પોઈન્ટ મળશે. • લંડનની બહાર કામ કરવા ઈચ્છનારાને વધુ પોઈન્ટ અપાશે • અભ્યાસ કર્યો હોય તેઓ પોતાના પોઈન્ટ્સ વધારી શકશે.

જો સારસંભાળ અથવા બાંધકામ સેક્ટર્સમાં ઓછી કુશળતા ધરાવતા વર્કર્સની અછત હશે તો ચોક્કસ સેક્ટર માટે શોર્ટ ટર્મ વિઝા પણ દાખલ કરવામાં આવશે.

આગામી વર્ષથી બ્રિટનમાં પ્રવેશવાના પાંચ માર્ગમાં સ્કીલ્ડ વિઝા રુટ એક હશે. ‘વૈશ્વિક પ્રતિભા’ ધરાવનારા લોકો પણ નોકરીની ઓફર વિના પ્રવેશ મેળવી શકશે. સિઝનલ એગ્રીકલ્ચર વર્કર્સ શોર્ટ ટર્મ વિઝા મેળવી શકશે. જેઓ પાસે કૌશલ્ય છે પરંતુ, એક્ટર્સ અને મ્યુઝિશિયન્સ જેવી અસામાન્ય ફ્રીલાન્સ કારકીર્દિ હશે તેમના માટે ‘મિસેલિનીઅસ’ માર્ગ હશે અને તેમને ચોક્કસ નોકરીની ઓફરની જરુર નહિ રહે.

અંતમાં, ઈયુ વિદ્યાર્થીઓ પણ પ્રવેશને પાત્ર રહેશે પરંતુ, ઈમિગ્રેશન હેતુઓ માટે તેઓ વિશ્વના અન્ય વિદ્યાર્થીઓની સમકક્ષ ગણાશે. યુકેમાં વિદ્યાર્થીઓ આશરે વાર્ષિક ૩૦૦,૦૦૦ શોર્ટ ટર્મ માઈગ્રન્ટ્સનું સ્થાન ધરાવે છે. અત્યારે ઈયુ વિદ્યાર્થીઓ વિશ્વના અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ ઓછી યુનિવર્સિટી ટ્યુશન ફી ચૂકવે છે પરંતુ, ઈયુ સાથે બ્રેક્ઝિટ વેપાર સમજૂતીના ભાગરુપે ઈયુ વિદ્યાર્થીઓની ફીનું ધોરણ નક્કી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter