એસાઈલમ સીકર્સનો બેકલોગ 100,000થી વધુ

Tuesday 01st March 2022 13:39 EST
 
 

લંડનઃ યુકેમાં એસાઈલમ ક્લેઈમ્સની સંખ્યા 18 વર્ષમાં સૌથી ઊંચે પહોંચી છે. ગયા વર્ષે 48,540 એસાઈલમ અરજીનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું હતુ જે તેની અગાઉના વર્ષ 2020ની સરખામણીએ 63 ટકા વધુ અને 2003 પછી કોઈ પણ કેલેન્ડર વર્ષ માટે સૌથી વધુ રહ્યું છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ ચેનલ ઓળંગીને યુકે આવતા એસાઈલમ સીકર્સ કે માઈગ્રન્ટ્સને અટકાવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યાં હોવાનો આક્ષેપ કરાયો છે. વર્ષ 2021ના અંતે પ્રાથમિક નિર્ણયની રાહ જોતા કેસીસનો બેકલોગ 100,564નો છે.

આ સંખ્યામાં કાબુલમાં તાલિબાન શાસનના પગલે સ્થળાંતર કરાયેલા 15,000 અફઘાનીઓનો સમાવેશ થતો નથી. ફ્રાન્સથી ઈંગ્લિશ ચેનલ ઓળંગીને આવનારા લોકોની સંખ્યામાં ભારે વધારાથી એસાઈલમ સીકર્સની સંખ્યા વધી છે. ગયા વર્ષે 1,034 નાની બોટ્સમાં 28,526 લોકો આવ્યા હોવાનું સત્તાવાર આંકડા જણાવે છે. આની સરખામણીએ 2020, 2019 અને 018ના વર્ષમાં અનુક્રમે 8,466, 1,843 અને 299 લોકો આવ્યા હતા. મોટા ભાગના લોકોએ એસાઈલમનો દાવો કર્યો છે.

ચેનલ ઓળંગીને આવનારા 10લોકોમાંથી 9 પુરુષ છે અને તેમાંથી 75 ટકા તો 18-39 વયજૂથના છે. નવા સરકારી ડેટા અનુસાર વર્ષ 2021ના અંતે સત્તાવાળા સમક્ષ પ્રાથમિક નિર્ણયની રાહ જોતા કેસીસની સંખ્યાનો બેકલોગ 100,564નો છે જે 2020ની સરખામણીએ 55 ટકાનો અને 2017 પછી 241 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021માં એસાઈલમના પ્રાથમિક નિર્ણય લેવાયા તેમાંથી લગભગ 72 ટકાને તો સુરક્ષા પ્રદાન કરવા માટેના હતા. ગત 30 વર્ષમાં સુરક્ષા પ્રદાન કરવાનો સર્વોચ્ચ દર છે. હોમ ઓફિસ બ્રેક્ઝિટ પછી એસાઈલમ સીકર્સને ઈયુમાં દેશનિકાલ કરવા માગતી હતી તેના 1 ટકાથી પણ ઓછાં લોકોને ગયા વર્ષે ખરેખર ડિપોર્ટ કરી શકાયા છે.

ઈમિગ્રેશન મિનિસ્ટર કેવિન ફોસ્ટરે જણાવ્યું હતું કે યુકેની એસાઈલમ સિસ્ટમ ભાંગી પડી છે અને બે દાયકા કરતાં વધુ સમયથી તેમાં કોઈ સુધારા કરાયા નથી. આ સરકાર યુકેમાં ગેરકાયદે પ્રવેશ અને એસાઈલમ મુદ્દે સખત વલણ અપનાવી દેશના કાયદા અને કરદાતાઓના શોષણનો અંત લાવવા કાર્યરત રહી છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter