ઓવરસીઝ હેલ્થ વર્કર્સના વિઝા નિઃશુલ્ક લંબાવાયા

Wednesday 14th April 2021 06:14 EDT
 
 

લંડનઃ યુકે સરકારે ફ્રન્ટલાઈન ઓવરસીઝ હેલ્થ વર્કર્સને એક વર્ષના વિઝા નિઃશુલ્ક લંબાવી આપવા જાહેરાત કરી છે. વિઝા એક્સ્ટેન્શન ફી માફીના નિર્ણયનો ફાયદો ભારતીય ડોક્ટર્સ અને નર્સીસ સહિત વિશ્વના ૧૪,૦૦૦ હેલ્થ વર્કર્સને થશે. યુકેમાં કોવિડ-૧૯ રોગચાળાને અંકુશમાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ફ્રન્ટલાઇન હેલ્થ પ્રોફેશનલ્સને આ રાહત આપવામાં આવી છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે યુકેની કોરોના વાઇરસ સામેની લડતમાં વિદેશના હેલ્થ અને કેર વર્કર્સે દાખવેલું સમર્પણ અને કૌશલ્ય જબરજસ્ત છે. જોકે, યુનિસેન દ્વારા જણાવાયું હતું કે આ નિર્ણયમાં કેર વર્કર્સને ફરી નજરઅંદાજ કરાયા છે

હોમ ઓફિસે જણાવ્યું હતું કે એક વર્ષના વિઝા એક્સ્ટેન્શનની ફી માફી પહેલી ઓક્ટોબરના રોજ વિઝા ખતમ થતાં હોય તેવા બધા વિદેશી હેલ્થ એન્ડ કેર વર્કરોને તથા તેમના પાર્ટનર્સ અને આશ્રિતોને આપમેળે લાગુ પડશે. વિઝા એક્સ્ટેન્શનમાં નેશનલ હેલ્થકેર સર્વિસ (NHS)માં કાર્યરત હેલ્થકેર પ્રોફેશનલ્સ અને સ્વતંત્ર હેલ્થ એન્ડ કેર સેક્ટરને આવરી લેવાશે, જેમાં ભારતીય વ્યવસાયિકોની સંખ્યા વધુ છે. ગયા વર્ષે રોગચાળો ટોચ પર હતો ત્યારથી જ હેલ્થ વર્કરોને સમયાંતરે ફ્રી વિઝા એક્સ્ટેન્શનની જાહેરાત થતી આવી છે. ગયા વર્ષે ૧૦,૦૦૦ જેટલા હેલ્થ વર્કર્સને નિઃશુલ્ક વિઝા એક્સટેન્શનનો લાભ મળ્યો હતો.

હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ‘યુકેની કોરોના વાઇરસ સામેની લડતમાં વિદેશના હજારો હેલ્થ અને કેર વર્કર્સે કોરોના

રોગચાળા દરમિયાન હજારો લોકોના જીવ બચાવવામાં મદદ કરી છે અને હવે તેઓ સફળ રસીકરણ ઝુંબેશમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના વિઝાને વગર ફીએ એક્સ્ટેન્શન આપીને અમે દર્શાવ્યું છે કે અમારો દેશ તેના હીરોઝના પ્રદાનનું કઈ રીતે મૂલ્યવાન ગણે છે.’

વિઝા નિઃશુલ્ક લંબાવવાના નિર્ણયમાં ડોક્ટરો, નર્સીસ, પેરોમેડિક્સ, મિડવાઈવ્ઝ, રોગચાળા નિષ્ણાતો, ઓક્યુપેશનલ થેરાપિસ્ટો, સાઈકોલોજિસ્ટ્સ અને બીજાનો સમાવેશ કરાયો છે. તેઓ કોરોના વાઇરસ સામેનો જંગ લડવામાં મહત્ત્વની કામગીરી નિભાવશે. તેઓનું આ એક્સ્ટેન્શન કોઈ પણ પ્રકારની ફી અને ચાર્જ વગરનું હશે તેમજ ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ પણ વસૂલવામાં નહિ આવે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે આ એક્સ્ટેન્શન સરળ ઓનલાઇન ફોર્મ ભરીને કરી શકાશે, તેમા તેની ઓળખની ચકાસણી કરવાની રહેશે અને માલિકોને તેની યોગ્યતા જણાવવા કહેવાશે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે પણ વિદેશી હેલ્થ વર્કરોએ યુકેની હેલ્થ સિસ્ટમમાં આપેલા યોગદાન ઉપરાંત, રોગચાળાની સામેની લડતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવી હતી. હેનકોકે કહ્યું હતું કે,‘ તેઓએ આપણા પ્રિયજનનું રક્ષણ કર્યુ છે અને લોકોનું રસીકરણ કર્યુ છે, તેથી અમે લોકોના જીવ બચાવી શક્યા છીએ અને સામાન્ય સ્થિતિ તરફ પરત ફરી રહ્યા છીએ.’  

આ ઉપરાંત યુકે દ્વારા ગયા વર્ષે ઓગસ્ટમાં નવા હેલ્થકેર વિઝા લોન્ચ કરવામાં આવ્યા છે. તેના હેઠળ વૈશ્વિક હેલ્થકેર પ્રોફેશનલ માટે યુકેમાં NHS અને સોશિયલ કેર સેક્ટરમાં કામ કરવું સરળ, સસ્તું અને ઝડપી બન્યું છે. આ રુટ હેઠળ ૨૦,૦૦૦થી વધુ લોકોને વિઝા આપવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter