યુક્રેની શરણાર્થીઓ માટે યુકેના વિઝા પ્લાનમાં ભારે અરાજકતા

Wednesday 09th March 2022 02:11 EST
 
 

લંડનઃ યુદ્ધગ્રસ્ત યુક્રેન છોડીને આવેલા યુક્રેની નાગરિકોને વિઝા આપવાના યુકેના પ્લાનમાં ભારે અરાજકતા સર્જાઈ હોવાનું વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્વીકાર્યું છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પણ હોમ ઓફિસ દ્વારા ૫૦ યુક્રેની પરિવારને અપાયેલા વિઝાના આંકડામાં ગરબડ હોવાનું જણાવ્યું છે.

હોમ ઓફિસે ફ્રાન્સની કેલે સરહદેથી લોકોને પાછા કઢાઈ રહ્યા નથી અને નવો માનવતાવાદી વિઝા રૂટ દાખલ કરાશે તેવા કરેલા દાવા ગૂંચવાડાપૂર્ણ હોવાનું જણાયું છે. વાસ્તવમાં શરણાર્થીઓને પેરિસ અથવા બ્રસેલ્સના વિઝા સલેન્ટર્સની મુલાકાત લેવાની ફરજ પડે છે. હોમ સેક્રેટરી પટેલે જણાવ્યું છે કે કેલે ખાતે વિઝા સેન્ટર સ્થપાઈ રહ્યું છે. દરમિયાન, શેડો હોમ સેક્રેટરી ઈવેટ કૂપરે દાવો કર્યો હતો કે હોમ ઓફિસની વેબસાઈટ હજુ પણ લોકોને પેરિસ જવાનું જણાવે છે. એક શરણાર્થી પરિવાર પાંચ દિવસ પેરિસ રહેવા છતાં તેને ૧૫ માર્ચ સિવાયની એપોઈન્ટમેન્ટ મળી ન હતી.

હોમ ઓફિસના ગાઈડન્સ મુજબ શરણાર્થીઓ યુક્રેનના પડોશી દેશો હંગેરી, પોલેન્ડ, માલ્ડોવા અને રોમાનિયાથી વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકે છે, વિઝા સેન્ટર જઈ ફિંગરપ્રિન્ટ્સ સહિતની વિગતો આપી શકે છે અને અરજીનું પ્રોસેસિંગ થાય ત્યાં સુધી જે તે વિસ્તારમાં રહે તેમ જણાવાયું છે.

જ્હોન્સન અને પ્રીતિ પટેલ વચ્ચે મતભેદ

આશરે 1.7 મિલિયન લોકોએ યુક્રેન છોડી દીધું હોવાના આંકડા પછી હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે શરણાર્થીઓ યુકે આવી શકે તે માટે ત્રીજો માનવતાવાદી રુટ વિચારાઈ રહ્યો હોવાનું સન અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું. આનો અર્થ એ છે કે યુકે સાથે સંબંધ નહિ ધરાવતી અને યુક્રેનથી નાસી છૂટેલી કોઈ પણ વ્યક્તિને આ દેશમાં આવવાનો અધિકાર મળશે. ત્રીજા રૂટના કાનૂની વિકલ્પો તપાસાઈ રહ્યા છે. જોકે, વડા પ્રધાન જ્હોન્સન અને નંબર10 દ્વારા તેનો ઈનકાર કરાયો હતો.

જ્હોન્સને કહ્યું હતું કે હાલ બે વિઝા રુટ છે તે પૂરતાં છે. પહેલો રુટ યુક્રેન ફેમિલી સ્કીમ છે જેના હેઠળ યુકેમાં રહેતી વ્યક્તિનો પરિવાર યુકે આવી રહી શકે, કામ કરી શકે તેમજ ત્રણ વર્ષ સુધી NHS ક્લેઈમ બેનિફિટ્સ પણ મેળવી શકે છે. બીજા રુટમાં લોકલ સ્પોન્સરશિપ સ્કીમ છે જેના હેઠળ ફર્મ્સ, ચેરિટીઝ અથવા વ્યક્તિઓ યુક્રેની નાગરિકોને શરૂઆતના 12 મહિના માટે સ્પોન્સર કરી શકે છે. આ યોજનામાં પારિવારિક સંબંધો આવશ્યક નથી અને સંખ્યાકીય મર્યાદા પણ નથી. જોકે, તેની વિસ્તૃત જાહેરાત કરાઈ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter