લંડનઃ હોમ સેક્રેટરી શબાના માહમુદે રીજેક્ટ કરાયેલા અફઘાન એસાઈલમ સીકર્સને તાલિબાન અંકુશ હેઠળના દેશમાં પરત મોકલવાનું નકાર્યું નથી. તેમણે જણાવ્યું હતું કે નકારાયેલા દાવેદારો બાબતે રિટર્ન્સ પ્રોગ્રામ કાબુલ અને ઈયુ દેશો વચ્ચેની વાતચીત પર તેઓ ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અફઘાનોને પરત મોકલવા સંદર્ભે વ્હાઈટહોલમાં પણ વધુ વાતચીત ચાલી રહી છે.
જો અફઘાન એસાઈલમ સીકર્સને પરત મોકલવાનો પ્રોગ્રામ અમલી બનાવાશે તો યુકેની વર્તમાન નીતિમાં પીછેહઠ ગણાશે અને માનવાધિકાર જૂથો માટે આંચકો ગણાશે. યુનાઈટેડ નેશન્સ દ્વારા અફઘાનિસ્તાનને માનવ અધિકારો માટે કબ્રસ્તાન ગણાવ્યું છે, જ્યાં અત્યાચાર અને મોતની સજાના ઉપયોગ થકી લૈંગિક રંગભેદનો અમલ કરાવાય છે. 11થી વધુ વયની છોકરીઓ અને મહિલાઓને શિક્ષણનો ઈનકાર કરાય છે તેમજ સવેતન રોજગારના તમામ પ્રકાર તેમના માટે પ્રતિબંધિત છે.
યુકેના પ્રવર્તમાન નિયમો હેઠળ સરકાર નકારાયેલા અફઘાન એસાઈલમ સીકર્સને સ્વદેશ પરત મોકલી શકતી નથી કારણકે યુકે તાલિબાનના અંકુશ હેઠળની અફઘાન સરકારને માન્યતા આપતી નથી. 2022થી 2024 વચ્ચે આશરે 29,600 અફઘાન નાગરિકોએ યુકેમાં રાજ્યાશ્રય માગ્યો છે.

