વિદેશી વિદ્યાર્થીઓ માટે યુકેના પોસ્ટ સ્ટડી વર્ક વિઝા

Wednesday 07th July 2021 02:57 EDT
 
 

લંડનઃ યુકેની હોમ ઓફિસે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પોતાના નવા પોસ્ટ સ્ટડી વર્ક (PSW) વિઝાપ્રક્રિયાની સત્તાવાર શરુઆત કરી દીધી છે. ગ્રેજ્યુએટ રુટના આ વિઝા હેઠળ બ્રિટનમાં અભ્યાસ કરી ગ્રેજ્યુએટ થયેલા ભારત સહિતના દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી બ્રિટનમાં રહેવા અને નોકરીનો અનુભવ મેળવવા માટે વિઝાની અરજી કરી શકશે. આ વિઝા અરજીઓ સ્વીકારવાનું શરુ કરી દેવાયું છે અને ભારતીય વિદ્યાર્થીઓને તેનો લાભ થશે.

ઉલ્લેખનીય છે કે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ દ્વારા ગયા વર્ષે ગ્રેજ્યુએટ વિઝાની જાહેરાત કરાઈ હતી. ગયા મહિને જ બ્રિટનમાં નવા પોસ્ટ સ્ટડી વર્ક (PSW) વિઝા માટે યોગ્યતા પ્રાપ્ત કરવા માટેની સમયમર્યાદા મહામારીના કારણે લંબાવી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ કરવામાં આવી હતી. PSW વિઝા મેળવનાર વિદેશી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બે વર્ષ સુધી બ્રિટનમાં રહી નોકરી કરી શકે છે અથવા નોકરી શોધી શકે છે. ઉલ્લેખનીય છે કે નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) યુકે દ્વારા આ સમયમર્યાદા વધારવાની લાંબા સમયથી માગણી કરાઈ રહી હતી.

ગત થોડાં વર્ષોમાં બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સૌથી મોટા સમૂહોમાં ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. ગયા વર્ષે ૫૬,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતાં. જે અગાઉના વર્ષ કરતા ૧૩ ટકા વધારે છે અને યુકે દ્વારા અપાયેલા તમામ સ્ટુડન્ટ વિઝાના લગભગ ૨૫ ટકા જેટલા થવા જાય છે. આ વિઝા મેળવવા માટે વિદેશી વિદ્યાર્થીઓએ બ્રિટનમાંથી હાયર એજ્યુકેશનનો માન્ય કોર્સ કરેલો હોવો જરૂરી છે.

સૌપ્રથમ વખત ગ્રેજ્યુએટ રુટ માટે બહુમતી અરજદારો સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી UK Immigration: ID Check સ્માર્ટફોન એપના ઉપયોગથી અરજી કરી શકશે. સફળ અરજદારોને eVisa ઈસ્યુ કરાશે. આ પ્રક્રિયા હેઠળ અરજદારોએ યુકે વિઝા એન્ડ સિટિઝનશિપ એપ્લિકેશન સર્વિસની મુલાકાત લેવાની કે ફરીથી બાયોમેટ્રિક્સ સબમીટ કરવાની જરુર રહેશે નહિ.  યુકેમાં જ્યારે પણ જરુર લાગે ત્યારે પોતાના સ્ટેટસની સરળતાથી જાણકારી મેળવી શકશે. જેઓ એપનો ઉપયોગ ન કરી શકે તેઓ પણ ઓનલાઈન અરજી કરી શકશે પરંતુ, તેમણે યુકે વિઝા એન્ડ સિટિઝનશિપ એપ્લિકેશન સર્વિસની મુલાકાત લેવાની રહેશે. આ પદ્ધતિથી ભારતના હજારો વિદ્યાર્થીઓને લાભ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter