વિદેશી હાઈ સ્કીલ્ડ વર્કર્સ માટે નવો વિઝા રુટ

Tuesday 09th March 2021 06:04 EST
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે વિશ્વની તેજસ્વી પ્રતિભાઓને યુકેમાં આકર્ષવાનું સરળ બને તે માટે નવા ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન રુટની જાહેરાત કરી છે. આ માટે યુકેની ઈમિગ્રેશન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવશે. ચાન્સેલરે રેડ ટેપિઝમ કાપવા અને બિઝનેસીસ પર પેપરવર્કનો બોજો ઘટાડવા ફર્મ્સ માટે સ્પોન્સરશિપ પ્રોસેસ સરળ બનાવવાની પણ ખાતરી ઉચ્ચારી હતી.  સરકારના રિવ્યુમાં ચેતવણી અપી હતી કે બ્રેક્ઝિટ અને પ્રતિભાઓ માટે વૈશ્વિક સ્પર્ધાના કારણે ફાઈનાન્સિયલ ટેકનોલોજી ફર્મ્સ્ સહન કરવાનું થશે.

સુનાકે આશા વ્યક્ત કરી હતી કે ઈમિગ્રેશન સિસ્ટમમાં સુધારાઓ યુકેમાં કામ કરવા આવતા રિસર્ચર્સ, એન્જિનીઅર્સ અને વિજ્ઞાનીઓની સંખ્યામાં વધારો કરશે. સિસ્ટમમાં સુધારાઓમાં નવા ‘એલિટ-વિશિષ્ટ’ પોઈન્ટ્સ આધારિત રુટનો સમાવેશ થશે જે, સ્ટાર્ટ અપ્સ અને ફિનટેક જેવી ઝડપથી વિકસતી ફર્મ્સને વિકસવા અને વધવા આવશ્યક પ્રતિભાઓની ભરતી કરવામાં મદદ કરશે.

ટ્રેઝરીએ જણાવ્યું હતું કે નવા રુટ હેઠળ માન્ય હાઈ ગ્રોથ ફર્મ દ્વારા જોબ ઓફર સાથેના ઉચ્ચ કૌશલ્ય ધરાવતા માઈગ્રન્ટ્સ સ્પોન્સરશિપ અથવા થર્ડ પાર્ટી એન્ડોર્સમેન્ટની જરુર વિના જ વિઝા મેળવવાને લાયક બનશે. ચાન્સેલરે જણાવ્યું હતું કે,‘આપણે આપણી સરહદોનો અંકુશ પાછો મેળવી લીધો છે અને સમગ્ર યુકે માટે કામ લાગે તેવા કૌશલ્ય આધારિત માઈગ્રેશન માટે બિઝનેસીસને સમર્થન આપી રહ્યા છીએ. આ સુધારાઓ સાયન્સ અને ઈનોવેશનમાં વિશ્વનેતા તરીકે આપણા દરજ્જાને જાળવવામાં અને વિશિષ્ટ જ્ઞાન સાથેના લોકોને આવકારવામાં મદદ કરશે.’

હાલ બ્રિટનમાં ૪૦ ટકાથી વધુ ફિનટેક સ્ટાફ વિદેશમાંથી આવે છે અને હાઈ ગ્રોથ કંપનીઓમાં જોબ ઓફર ધરાવતા માઈગ્રન્ટ્સ માટે નવા વિઝાની સ્કીમ માર્ચ ૨૦૨૨થી શરુ થશે. બ્રેક્ઝિટના લીધે ફિનટેક કંપનીઓ ઈયુ સિંગલ માર્કેટની સુવિધાથી અળગી થઈ છે અને ઈયુ બ્લોકમાંથી સ્ટાફને નોકરીએ રાખવાનું અઘરું બન્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter