લંડનઃ પત્નીઓ પર ઈમોશનલ એટલે કે ભાવનાત્મક અત્યાચાર કે માનસિક બળજબરી કરનારા પતિઓ કે પાર્ટનર્સને નવા અમલી કાયદા અનુસાર પાંચ વર્ષ જેલની સજા કરી શકાશે. સીરિયસ ક્રાઈમ એક્ટ ૨૦૧૫માં સુધારા અન્વયે પાર્ટનરને શારીરિક હિંસાથી નુકસાન ન કરાય તો પણ લોકોને સજા થઈ શકશે. ખરાબ વર્તનમાં વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અંકુશનો પણ સમાવેશ કરાયો છે. આશરે પાંચ મિલિયન (૩૦ ટકા) સ્ત્રીઓ અને ૨.૫ મિલિયન (૧૬ ટકા) પુરુષો તેમના જીવનકાળમાં શોષણનો ભોગ બને છે.
સૌપ્રથમ વખત જોરજુલમ અને અંકુશાત્મક વર્તનના પુરાવા હોય ત્યાં પણ કાયદો કામ કરશે. પાર્ટનરને તેમના કુટુંબીજનો કે મિત્રો સાથે હળવામળવા પર અંકુશ લગાવતા, તેમને પૂરતા નાણા નહિ આપનારા, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અંકુશ, વાતચીત પર જાસૂસી કે તેમના ભોજન, નિદ્રા અને ટોઈલેટ જવા સહિત દૈનિક પ્રક્રિયાઓ પર અંકુશો લગાવતા લોકો સામે આ કાયદા હેઠળ કામ ચલાવી શકાશે. પોતાના શિકારને વારંવારની ધમકીઓ, માનહાનિ અને બળજબરીનો ત્રાસ આપનારાની સમસ્યા હલ કરવા પ્રોસિક્યુટર્સ પ્રતિબદ્ધ છે.
ડિરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન્સ એલિસન સૌન્ડર્સે જણાવ્યું હતું કે,‘અંકુશાત્મક અથવા ધમકીપૂર્ણ વર્તણૂક વ્યક્તિની હેરફેરની આઝાદી અને તેમની સ્વતંત્રતા સહિત પાયારૂપ માનવ અધિકારોને મર્યાદિત બનાવી શકે છે. કોઈએ બનાવેલા નિયમોનો ભંગ કરવાથી ખરાબ પરિણામ આવે તેના ભય હેઠળ તે રહે છે. આ માનસિક ભય પણ શારીરિક હિંસાના આઘાત જેવો જ છે અને તેની ગંભીર અસરો પણ પડે છે.’


