લંડનઃ એસ્ટેઝેનેકા કોરોના વેક્સિનની પ્રાપ્યતા મુદ્દે યુકે અને ઈયુ દેશો વચ્ચે સર્જાયેલા ભારે વિવાદમાં આખરે ‘ઘીના ઠામમાં ઘી ઢળ્યું’ છે. ઈયુએ ફાઈઝર- બાયોએનટેક ફાર્મા કંપનીના બેલ્જિયમ પ્લાન્ટથી યુકેને વેક્સિનનો પુરવઠો ચાલુ રાખવાની ખાતરી આપ્યા પછી વેક્સિન વિવાદનો અંત આવ્યો હતો. યુકેએ વેક્સિન પુરવઠાની સમસ્યા સંદર્ભે ઈયુને મદદ કરવા તૈયારી પણ દર્શાવી છે. બ્રસેલ્સે એસ્ટ્રેઝેનેકા સાથે કરારને આગળ ધરી યુકે માટે ઉત્પાદિત વેક્સિનના લાખો ડોઝ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એસ્ટ્રેઝેનેકાએ ઈયુની માગણીને વશ થવાનું નકાર્યું હતું. યુકેને ફાઈઝરનો વેક્સિન પુરવઠો બંધ કરવાની ધમકીનો બ્રિટન, નોર્ધર્ન આયર્લેન્ડ અને આયર્લેન્ડની સરકારોએ મક્કમતાથી સામનો કર્યા પછી ઈયુનું વલણ ઢીલું પડ્યું હતું. દરમિયાન, બ્રિટને શનિવારે પ્રથમ વેક્સિન ડોઝ આપવાનો ૪૮૭,૭૫૬નો દૈનિક વિક્રમ નોંધાવ્યો તેની સાથે દેશમાં કુલ આશરે ૮.૪ મિલિયન લોકોને વેક્સિન આપી દેવાયું હતું.
યુકે વેક્સિન પુરવઠામાં ઈયુને મદદ કરશે
વેક્સિન મિનિસ્ટર નાધિમ ઝાહાવીએ યુકે વેક્સિન પુરવઠાની સમસ્યા સંદર્ભે ઈયુને મદદ કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે. નોર્ધર્ન આયર્લેન્ડ સરહદે વેક્સિન પુરવઠાને અટકાવી દેવાની ધમકીમાં બ્રસેલ્સની પીછેહઠ પછી ઝાહાવીએએ કહ્યું હતું કે હવે ઈયુ સાથે સહકાર સાધવા બાબતે ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ઈયુએ ફાઈઝર કંપનીના બેલ્જિયમ પ્લાન્ટથી યુકેને વેક્સિન પુરવઠો ચાલુ રાખવાની ખાતરી આપ્યાથી વેક્સિન વિવાદનો શનિવારે અંત આવ્યો હતો.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડર લેયેનને બે ફોન કરી યુકે પહોંચનારા વેક્સિન પુરવઠાને નોર્ધર્ન આયર્લેન્ડની કડક સરહદે અટકાવી દેવાના ‘ન્યુક્લીઅર ઓપ્શન’ને પડતો મૂકવાની યોજના પડતી મૂકવા સમજાવ્યા હતા. આ કટોકટી સર્જાઈ ત્યારે ફૂડ ચેકિંગ પડતું મૂકવા અને યુરોપિયન કમિશન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી તેમજ જો ઈયુ દ્વારા પ્રતિબંધ મૂકાય તો બ્રિટનના વેક્સિન સપ્લાયને હવાઈમાર્ગે લાવવાની પણ તૈયારી સહિતના વિકલ્પો સાથે છ પાનાનો ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
યુકેનો વેક્સિન પુરવઠો અટકાવી દેવા ધમકી
બ્રસેલ્સે યુકેના કોરોના વેક્સિન ઉત્પાદક એસ્ટ્રેઝેનેકા સાથે કોવિડ-૧૯ વેક્સિન યુદ્ધને આગળ વધારતા જણાવ્યું હતું કે તેમના કરારથી યુકેમાં ઉત્પાદિત વેક્સિનના લાખો ડોઝ મેળવવાનો અધિકાર મળે છે. જો આમ નહિ થાય તો યુરોપના બેલ્જિયમથી ઈંગ્લિશ ચેનલ મારફત યુકે પહોંચનારા ૪૦ મિલિયન ડોઝના ફાઈઝર- બાયયોએનટેક વેક્સિન પુરવઠાને અટકાવી દેવાની પણ ધમકી આપી હતી. યુરોપિયન કમિશનના જર્મન પ્રમુખ ઉર્સુલા વોન ડર લેયેને કહ્યું હતું કે ફાર્માસ્યુટિકલ જાયન્ટ સાથે ઈયુનો સોદો સ્પષ્ટ છે કે બ્રિટનની બે સહિતની ચાર ફેક્ટરીમાંથી વેક્સિનનો પુરવઠો મળશે. કંપનીએ યુકેને પુરવઠામાં પ્રાથમિકતા આપવી ન જોઈએ. ઈયુએ બ્રિટનમાં તૈયાર થયેલા વેક્સિનના ૧૦૦ મિલિયન ડોઝ મેળવવા ઓગસ્ટમાં કરાર કર્યો હતો. આ અગાઉ, યુકેએ મે મહિનામાં જ ઓક્સફર્ડ અને સ્ટાફોર્ડશાયરના પ્લાન્ટમાં ઉત્પાદિત તમામ ૧૦૦ મિલિયન ડોઝ માટે કરાર કર્યો હતો. એંગ્લો-સ્વીડિશ કંપની એસ્ટ્રેઝેનેકાએ બ્રસેલ્સને માર્ચમાં મળનારી વેક્સિનની પ્રથમ ડિલિવરીમાં ૬૦ ટકા ડોઝ મળશે તેમ જણાવ્યા પછી વિવાદ સર્જાયો હતો. ઈયુમાં વેક્સિનના ૭૫ મિલિયન ડોઝની તંગી સર્જાવાના પગલે યુરોપિયન કમિશને તેના સભ્ય દેશોમાં ઉત્પાદન કરાતા વેક્સિનની નિકાસ અટકાવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાનું વિચાર્યું હતું.