દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી યુરોપ ખંડ અનેક પરિવર્તનોનો સાક્ષી બન્યો છે. વર્તમાનકાળમાં બ્રિટન માટે ઈયુમાં રહેવું કે તેને બાય બાય કહેવું તે પેચીદો પ્રશ્ન બન્યો છે. રહેવાની કે છોડવાની અસરો, સામૂહિક માઈગ્રેશન પરની અસર, વેપાર અને સંરક્ષણ સંબંધિત ચર્ચાઓ, પ્રશ્નો તમામના દિલોદિમાગ પર છવાયાં છે, પરંતુ સ્પષ્ટ ઉત્તર નજર સામે આવતો નથી. જોકે, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ યુરોપનો ખ્યાલ વેપાર તેમજ તેના દેશોના લોકો વચ્ચે માલસામાનની મુક્ત હેરફેરના આધારે જ રચાયો હતો.
ઈયુમાં રહેવા કે તેને છોડવાના ખાસ લાભ અને ગેરલાભ છે. ઈયુની તિજોરીમાં જર્મની પછી સૌથી વધુ નાણા બ્રિટનના જાય છે. ટ્રેઝરી અનુસાર બ્રિટિશ નાગરિકદીઠ વર્ષે ૧૦૦ પાઉન્ડનો નેટ ફાળો ઈયુમાં જાય છે. એકાઉન્ટન્સી પેઢી PwCમુજબ ઈયુ છોડવાથી ટુંકા ગાળે ૯૫૦,૦૦૦ નોકરીનું નુકસાન થશે. ઈયુ દેશોમાં ૧.૩ મિલિયન બ્રિટિશરો રહે છે અને બ્રેક્ઝિટ તેમના માટે અવરોધ સર્જશે. જોકે, કેટલાક નિષ્ણાતો લાંબા ગાળાના લાભ પણ ગણાવી રહ્યા છે.
યુદ્ધગ્રસ્ત અને મુખ્યત્વે ઈસ્લામિક દેશોમાંથી લાખો નિર્વાસિતોનો પ્રવાહ ઈયુમાં ધસી રહ્યો છે. તેનો બોજ ભારે છે, પરંતુ લાંબા ગાળે આ લોકો આપણા માટે મૂડી બની શકે છે. યુકેમાં સમૃદ્ધ અને વિકાસ સાધી રહેલી એશિયન કોમ્યુનિટી આનું શ્રેષ્ઠ અને જીવંત ઉદાહરણ છે. યુગાન્ડાથી હકાલપટ્ટી કરાયા પછી યુકેમાં તેમને આશ્રય મળ્યો હતો.
ઈતિહાસનો એક પાઠ છે કે વૈશ્વિક સ્વીકાર્ય ન હોય છતાં સામાન્ય હેતુઓ-કલ્યાણ માટે કાર્ય કરી શકે તેવા સમાન લક્ષ્ય ધરાવતા દેશોનો સંઘ હોવો જોઈએ. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ આ સિદ્ધાંતના આધારે માને છે કે ઈયુમાંથી બહાર નીકળવા કરતા અંદર રહેવું વધુ સારું છે.
રેફરન્ડમનું પરિણામ કોઈ અભિપ્રાય મતદાન કે આગાહીઓ પર આધાર રાખતું નથી. જે લોકો આ દિવસે મત આપવા જાય છે તેના પર જ પરિણામનો આધાર રહે છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ તેના વાચકોને વિશેષ અનુરોધ કરે છે કે તેઓ ૨૩ જૂને બહાર આવે અને મતદાન અવશ્ય કરે.
નેશનલ કાઉન્સિલ ઓફ બ્રિટિશ ઈન્ડિયન્સ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે, ‘ઈયુની ૪૩ વર્ષની મેમ્બરશિપ પછી યુકે ઈયુ છોડવાનો નિર્ણય લેશે તો આપણે સહુએ તેની આકરી કિંમત ચુકવવી પડશે.’ કાઉન્સિલના ચેરમેન દલજિત શેહબાઈએ કહ્યું હતું કે,‘ જો યુકે ૫૦૦ મિલિયન કન્ઝ્યુમર્સના વિશ્વના સૌથી મોટા બજારને છોડવાનો નિર્ણય લેશે તો તેના અર્થતંત્રને નકામું મુશ્કેલીમાં મૂકશે. આ ઉપરાંત, ઈયુમાં રહેવા માટે મજબૂત રાજકીય અને સુરક્ષા કારણ પણ છે.’
યુરોપિયન યુનિયન રેફરન્ડમને ગણતરીના દિવસો બાકી છે ત્યારે લેબર પાર્ટીના અગ્રણી ૧૪ અશ્વેત અને વંશીય લઘુમતી (BME) સાંસદોએ મતદારોને ઈયુમાં રહેવાની તરફેણમાં મતદાનનો અનુરોધ કર્યો છે. ગાર્ડિયન અખબારની વેબસાઈટ પરના લેખમાં સાંસદો રુશનારા અલી, શબાના મહમૂદ, યાસ્મીન કુરેશી, થાંગમ ડેબોનેર, વિરેન્દ્ર શર્મા, કેટ ઓસામોર, સીમા મલ્હોત્રા, તુલિપ સિદ્દીક, કિથ વાઝ, ચિ ઓનવુરાહ, ચુકા ઉમન્ના, ડેવિડ લેમી, વેલેરી વાઝ અને ખાલિદ મહમૂદે ઈયુ છોડવાથી માઈનોરિટી કોમ્યુનિટી માટે ગંભીર પરિણામો આવવાની ચેતવણી પણ આપી છે.


