લંડનઃ લેબર પાર્ટીના પૂર્વ નેતા એડ મિલિબેન્ડ પણ યુકેના ઈયુમાં રહેવા-ન રહેવાની ચર્ચામાં કૂદી પડ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો બ્રિટન ઈયુ છોડશે તો વિશ્વના પર્યાવરણને મોટું નુકસાન થશે. પર્યાવરણ સેક્રેટરી એલિઝાબેથ ટ્રુસ, ગ્રીન પાર્ટીના નેતા કેરોલિન લુકાસ અને લિબ ડેમના પૂર્વ મિનિસ્ટર સર એડ ડેવી સાથે મિલિબેન્ડ પણ સંયુક્ત જાહેરનામામાં સામેલ થયા છે.
આ નેતાઓએ દાવો કર્યો છે કે પર્યાવરણ સમસ્યાઓનો સામનો કરવામાં બ્રિટનના પ્રયાસોમાં ઈયુનું સભ્યપદ કેન્દ્રસ્થાને છે. તેમણે જણાવ્યું છે કે ઈયુમાં રહેવાના કારણે બ્રિટનને પ્રાપ્ત વગ બ્રેક્ઝિટથી ગુમાવી દેવા સાથે હાથીદાંતના ગેરકાયદે શિકાર, વ્હેલનો વેપાર અને લાકડાનો ગેરકાયદે સંગ્રહ જેવી વિવિધ સમસ્યાઓ વધુ વકરશે.


