લંડનઃ ટોરી પાર્ટીના તળિયાના કાર્યકરો ઈયુ રેફરન્ડમ અંગે વડા પ્રધાન ડેવિડ કેમરનનો ભારે વિરોધ કરી રહ્યા છે. બળવા તરફ સરકી રહેલા ટોરી પાર્ટીના ૪૪ સ્થાનિક વડાએ કેમરનને ચેતવણી આપી છે કે તેમણે સમતોલ ચર્ચા કરાવી પાયાના કાર્યકરોનો મત સાંભળવો પડશે. ઈયુમાં રહેવા તત્પર કેમરને યુરોપ અંગે સ્થાનિક પ્રતિનિધિઓના મતને નજરઅંદાજ કરવા સાંસદોને આપેલા આદેશથી કાર્યકરો રોષે ભરાયા છે.
ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડના સ્થાનિક કન્ઝર્વેટિવ સંગઠનોના ૪૦થી વધુ પ્રતિનિધિઓએ કેમરન સામે અવગણનાનો આક્ષેપ મૂકતા કહ્યું હતું કે સામાન્ય ચૂંટણીમાં તેમને જંગી બહુમતી અપાવવા અથાક મહેનત કરનારા કાર્યકરોનું તેઓ અપમાન કરી રહ્યા છે. કેમરને સાંસદોને સૂચના આપી છે કે તમારા મતક્ષેત્રના એસોસિયેશનો શું કહે છે તેને ધ્યાને લીધા વિના જ મતનો નિર્ણય લેવો જોઈએ.

