લંડનઃ જૂન મહિનાના ઈયુ રેફરન્ડમના પરિણામોની અનિશ્ચિતતા મધ્યે યુકેમાં રહેતા ઈયુ નાગરિકોએ બ્રિટિશ નાગરિકતા મેળવવા યુકે પાસપોર્ટ માટે કરેલી અરજીમાં ૧૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. હોમ ઓફિસના આંકડા અનુસાર બ્રિટિશ પાસપોર્ટ માટે ૧૫,૫૦૧ અરજી આવી હતી, જેમાં યુકેસ્થિત ઈટાલિયન નાગરિકોની અરજીમાં ૨૬ ટકા અને પોલિશ નાગરિકોની અરજીમાં ૯ ટકાની વૃદ્ધિ હતી. રેફરન્ડમ અગાઉ બ્રિટનમાં નેટ વાર્ષિક માઈગ્રેશનનો દર ઘટવા લાગ્યો હતો.
રેફરન્ડમ પ્રચાર અભિયાનમાં ૨૦૧૫માં નેટ માઈગ્રેશનના આંકડાનું પ્રભુત્વ જોવાં મળ્યું હતું, જેમાં નેટ માઈગ્રેશન વિક્રમી ૩૩૩,૦૦૦ના આંકડે પહોંચી અંકુશ બહાર ગયાના દાવા થતાં હતાં. જોકે, ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા આંકડા કહે છે કે માર્ચ ૨૦૧૬ સુધીના ૧૨ મહિનામાં નેટ વાર્ષિક માઈગ્રેશન ૯,૦૦૦ જેટલું ઘટી વાસ્તવમાં ૩૨૭,૦૦૦ થયું હતું. માર્ચ ૨૦૧૬ સુધીના એક વર્ષમાં બ્રિટન આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ તીવ્ર ઘટાડો જોવાં મળ્યો હતો. આ સંખ્યા ૨૮,૦૦૦ ઘટવા સાથે ૧૬૪,૦૦૦ થઈ હતી અને ૨૦૦૭થી સૌથી નીચા સ્તરે હતી.
યુકેમાં વિદેશમાં જન્મેલી વસ્તી તરીકે પોલિશ લોકો ૨૦૧૫માં સૌપ્રથમ વખત ભારતીય કોમ્યુનિટીથી આગળ નીકળી ગયાં હતાં અને યુકેસ્થિત ૭૯૫,૦૦૦ ભારતીયોની સામે પોલિશ લોકોની વસ્તી ૮૩૧,૦૦૦ હતી. વિદેશમાં જન્મેલી કોમ્યુનિટી તરીકે પાકિસ્તાની અને આઈરિશ વસ્તી હવે બ્રિટનમાં ત્રીજા અને ચોથા ક્રમે છે.


