લંડનઃ યુરોપિયન યુનિયનના નાગરિકોને સેટલ્ડ સ્ટેટસ માટે અરજી કરવાની મર્યાદા સમાપ્ત થાય તેના મહિનાઓ અગાઉ યુકે છોડી સ્વદેશ પાછા ફરવા માટે વિશેષ નાણાકીય પ્રોત્સાહનો ઓફર કરી રહ્યાં હોવાનું ધ ગાર્ડિયનના અહેવાલમાં જણાવાયું છે. ઈયુના નાગરિકોને ૧ જાન્યુઆરીથી સરકારની વોલન્ટરી રિટર્ન્સ સ્કીમમાં ચૂપચાપ સાંકળી લેવાયા છે. નાણાકીય પ્રોત્સાહનોમાં ફ્લાઈટ્સ અને ૨૦૦૦ પાઉન્ડ સુધી રીસેટલમેન્ટ સહાયનો સમાવેશ થાય છે.
સરકારે દાવો કર્યો છે કે તે ઈયુ નાગરિકોને યુકેમાં સેટલ્ડ સ્ટેટસ મેળવવાની અરજી કરવા માટે સમજાવટના તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે યુકેમાં ઈયુના અસલામત નાગરિકોને મદદમાં કાર્યરત લોકોએ જણાવ્યું હતું કે સ્વદેશ પરત ફરવા નાણાકીય પ્રોત્સાહનોની ઓફર આ દાવાથી વિરોધાભાસી છે. યુકેમાં રહેતા યુરોપિયન નાગરિકોને ઈયુ સેટલમેન્ટ સ્કીમ (EUSS)માં અરજી કરવાની સમયમર્યાદા ૩૦ જૂનની છે. ઈયુ સેટલમેન્ટ સ્કીમ હેઠળ અત્યાર સુધી આશરે ૪.૯ મિલિયન અરજીઓ મળેલી છે.
હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘કેટલાક લોકો EUSS હેઠળ સ્ટેટસ મેળવવાનું પસંદ ન કરતા હોય અને સમયમર્યાદા પછી યુકેમાં રહેવા પણ ઈચ્છતા ન હોય તે શક્ય છે. આથી,અમે સ્ટેકહોલ્ડર્સને પત્ર પાઠવી માહિતગાર કર્યા હતા કે જે EEA નાગરિકો યુકે છોડી જવા ઈચ્છતા હોય તેઓ હવે વોલન્ટરી રિટર્ન સ્કીમ હેઠળ મદદ મેળવવાને પાત્ર છે.’ બીજી તરફ, જોઈન્ટ કાઉન્સિલ ઓફ ઈમિગ્રન્ટ્સ (JWCI) દ્વારા સંશોધનના પગલે ચેતવણી અપાઈ છે કે હજારે યુરોપિયન ચાવીરુપ વર્કર્સ યુકેમાં રહેવાના તેમના કાનૂની અધિકારો ગુમાવવાનું જોખમ ધરાવે છે કારણકે હજારો લોકોને અરજી કરવાની સમયમર્યાદાની જાણ નથી. સંસ્થાએ EUSS હેઠળ અરજીની સમયમર્યાદા તત્કાળ ઉઠાવી લઈ યુરોપિયન નાગરિકોને આપમેળે સેટલ્ડ સ્ટેટસ મળે તેની પણ માગણી કરી છે.