ઈયુ માઈગ્રન્ટ્સ નો-ડીલ બ્રેક્ઝિટમાં પણ ત્રણ વર્ષ સુધી પ્રવેશને પાત્ર

વસવાટના નવા સ્ટેટસ માટે ડિસેમ્બર ૨૦૨૩ સુધી અરજી કરી શકશેઃનવી પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમની વિચારણા

Wednesday 11th September 2019 03:13 EDT
 
 

લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે સ્પષ્ટ કર્યું છે કે નો-ડીલ બ્રેક્ઝિટ થશે તો પણ અમર્યાદિત ઈયુ માઈગ્રન્ટ્સ કામકાજ અથવા અભ્યાસ માટે બ્રિટનમાં ત્રણ વર્ષ સુધી પ્રવેશ મેળવી શકશે. મિનિસ્ટર્સે ભારપૂર્વક કહ્યું છે કે નો-ડીલ સંજોગોમાં મુક્ત અવરજવર બંધ થઈ જશે. જોકે, મિસિસ પટેલ ઈયુ માઈગ્રેશન અટકાવી દેવાના બદલે નિયંત્રણો નાખવાની તરફેણમાં છે. જેઓ હાલ બ્રિટનમાં છે તેઓ વસવાટના નવા સ્ટેટસ માટે ડિસેમ્બર ૨૦૨૩ સુધી અરજી કરી શકશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં લોકો ક્યાંથી આવે છે તેને ધ્યાનમાં લીધા વિના કુશળતા અને પ્રતિભા ધરાવતા હોય તે સંબંધિત નવી પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ દાખલ કરીશું.

હોમ સેક્રેટરી પટેલે જણાવ્યું છે કે ૩૧ ઓક્ટોબરના બ્રેક્ઝિટ ડે પછી પણ ઈયુ નાગરિકો અમર્યાદિત સંખ્યામાં પ્રવાસ, કામકાજ અથવા અભ્યાસ માટે બ્રિટનમાં ત્રણ વર્ષ સુધી પ્રવેશ મેળવી શકશે. જો ઈયુ નાગરિકો અને તેમના પરિવારો ડિસેમ્બર ૨૦૨૦ના અંત પછી પણ યુકેમાં રહેવા ઈચ્છતા હોય તેમણે યુરોપિયન ટેમ્પરરી લીવ ટુ રીમેઈન નામના નવા ઈમિગ્રેશન દરજ્જા માટે અરજી કરી શકશે. આ દરજ્જો ડિસેમ્બર ૨૦૨૩ સુધી માન્ય ગણાશે. આ પછી, તેઓ અહી કાયમી વસવાટની માગણી કરી શકશે. જે ઈયુ નાગરિકોને યુરોપિયન ટેમ્પરરી લીવ ટુ રીમેઈન દરજ્જો મળશે તેઓ બેરોજગારી, હાઉસિંગ અથવા ચિલ્ડ્રન સહિતના બેનિફિટિસ મેળવી શકશે તેમજ NHS જેવી જાહેર સેવાઓનો ઉપયોગ પણ કરી શકશે.

અગાઉ, મિનિસ્ટરોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈયુ સાથે વાટાઘાટો નિષ્ફળ જાય અને યુકેએ સમજૂતી વિના બહાર નીકળવું પડે તો બ્રિટિશરોને પણ યુરોપમાં મુક્ત વસવાટ અને હેરફેરનો અધિકાર આપતી મુક્ત અવરજવરની જોગવાઈનો ૩૧ ઓક્ટોબરની મધરાતથી અંત આવશે. જોકે, આ યોગ્ય નહિ રહે તેવી ચિંતા દર્શાવાયા પછી હોમ સેક્રેટરીએ મુક્ત અવરજવર નાબૂદ કરવાના બદલે તેના પર નિયંત્રણો રાખતી નવી ઈમિગ્રેશન વ્યવસ્થાની રુપરેખા જાહેર કરી છે.

જોકે, મિસિસ પટેલે જણાવ્યું હતું કે ઈયુ ક્રિમિનલ્સ, કટ્ટરવાદીઓ અથવા અન્ય અસામાજિક તત્વોને દેશમાં આવતા અટકાવવાનું સુગમ રહે તે માટે બિન-ઈયુ નાગરિકોને લાગુ પડતા હોય તે રીતે નવા કડક બોર્ડર કન્ટ્રોલ્સ દાખલ કરવામાં આવશે. આનો અર્થ એ થાય કે જે વ્યક્તિએ ઓછામાં ઓછાં ૧૨ મહિનાની જેલની સજા કાપી હોય, ગંભીર અથવા સતત અપરાધી પ્રવૃત્તિઓમાં સંકળાઈ હોય અથવા રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમરુપ હોય તેમને પ્રવેશ નહિ અપાય અથવા દેશનિકાલ કરી દેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter