લંડનઃ ઈયુ-યુકે ડાઈવોર્સ માટે સત્તાવાર બ્રેક્ઝિટ મંત્રણાનો આરંભ થાય તે અગાઉ જ ‘ડાઈવોર્સ બિલ’ મુદ્દે વિવાદ છેડાયો છે. બ્રસેલ્સ દ્વારા અગાઉ આશરે ૫૦ બિલિયન પાઉન્ડની માગણી કરાઈ હતી તે હવે વધારીને ૯૨ બિલિયન પાઉન્ડ થઈ છે. જર્મની, ફ્રાન્સ અને પોલેન્ડે ફાર્મ સબસિડીનો સમાવેશ કરી આ રકમ વધારી હોવાનું કહેવાય છે. જોકે, વડા પ્રધાન થેરેસા મે અને બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે યુકે ૯૨ બિલિયન પાઉન્ડ ચૂકવે તેવી માગણી ધરાર ફગાવી દીધી છે.
જર્મની, ફ્રાન્સ અને પોલેન્ડે યુકે દ્વારા ચુકવવાપાત્ર મનાતી ફાર્મ સબસિડીની રકમ આસમાને પહોંચાડી દીધી છે. બ્રસેલ્સ દ્વારા આ ગણતરી સાથે યુકે ૯૨ બિલિયન પાઉન્ડ (૧૦૦ બિલિયન યુરો) ચુકવે તેવી માગણી કરાઈ હતી. આ સાથે સમગ્ર યુરોપમાં પથરાયેલી ઈમારતો સહિત બિલિયન્સ પાઉન્ડની સંપત્તિમાં યુકેનો હિસ્સો આપવા પણ ઈનકાર કરાયો છે. ઈયુના ચીફ નેગોશિયેટર માઈકલ બર્નીએરે યુકે પર દબાણ વધારતા ચેતવણી આપી છે કે જો બ્રિટન ચુકવણી કરવા સંમત નહિ થાય તો ગંભીર પરિણામો સહન કરવા પડશે અને ડાઈવોર્સ અંગે સિદ્ધાંતો નિશ્ચિત ન કરાય ત્યાં સુધી વેપારસોદા પર મંત્રણાઓ શરૂ થશે નહિ.
જોકે, બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિસે સ્પષ્ટ કર્યું હતું કે અમે ૧૦૦ બિલિયન યુરો ચુકવવાના નથી. અધિકારો અને જવાબદારીઓની વાત પહેલા કરાશે. યુકે કોઈ રકમ ચુકવવા કાયદેસર બંધાયેલું નથી. કેબિનેટ મિનિસ્ટર્સે પણ કહ્યું છે કે થોડાં બિલિયન પાઉન્ડથી વધુ રકમ અમને સ્વીકાર્ય નથી. વડા પ્રધાન થેરેસા મેએ તો અગાઉ કહ્યું જ છે કે ખરાબ સોદા કરતા કોઈ સોદો ન થાય તે જ સારું છે.