લંડનઃ વ્હાઈટ હોલના વરિષ્ઠ સૂત્રોનું માનવામાં આવે તો વડા પ્રધાન ડેવિડ કેમરન ૨૩ જૂનના ઈયુ રેફરન્ડમ પછી વધુ ૨૫ કન્ઝર્વેટિવ્સને ઉમરાવપદની લહાણી કરે તેવી શક્યતા છે. બ્રિટનના ઈયુમાં રહેવાના પ્રચાર અભિયાનમાં મદદ કરનારા નેતાઓને લહાણી તેમજ હાઉસ ઓફ લોર્ડ્સમાં અંકુશ પુનઃ પ્રાપ્ત કરવાના પ્રયાસમાં આમ કરાશે. સરકાર દ્વારા નવા ઉમરાવોની યાદી તૈયાર કરાતી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
ડાઉનિંગ સ્ટ્રીટ ઈયુ રેફરન્ડમ પછીના ગણતરીના દિવસોમાં નવા ઉમરાવોની યાદી જાહેર કરશે તેમ કહેવાય છે. તાજેતરના મહિનાઓમાં સરકારને ઉમરાવગૃહમાં શ્રેણીબદ્ધ પરાજય વેઠવાં પડ્યાં હોવાથીહાઉસ ઓફ લોર્ડ્સમાં વિપક્ષી બહુમતીનો સામનો કરવામાં અને કન્ઝર્વેટિવ પાર્ટીનું નિયંત્રણ રહે તે હેતુસરના પ્રયાસમાં કેમરન રીમેઈન ઈયુના તેમના અભિયાનમાં સાથ આપનારા સમર્થકો તથા બ્રેક્ઝિટ અભિયાનને ટેકો નહિ આપનાર દાતાઓને નોમિનેટ કરે તેમ પણ મનાય છે. લેબર પાર્ટીને માત્ર થોડાં ઉમરાવપદ ફાળવાશે. જોકે, લેબર નેતા જેરેમી કોર્બીનનો ચૂંટાયા વગરના લોર્ડ્સ સામેનો વિરોધ જાણીતો હોવાથી નવા લેબર ઉમરાવોને નોમિનેટ કરવા ખચકાઈ રહ્યા હોવાનું પણ કહેવાય છે. ગયા વર્ષની ચૂંટણીમાં કુલ પ્રાપ્ત મત અને હાઉસ ઓફ કોમન્સમાં મેળવેલી બેઠકના પરિણામે Ukipને પણ હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન મળી શકે છે.
અત્યારે હાઉસ ઓફ લોર્ડ્સમાં ૮૧૬ જેટલા સભ્યો છે, જેનાથી તે ચીનની પીપલ્સ કોંગ્રેસ પછી બીજા ક્રમની લેજિસ્લેટિવ એસેમ્બલી બને છે. સરકાર આ ઉનાળામાં ૪૦ જેટલા ઉમરાવને નિયુક્ત કરે તેવી ધારણા છે. નવા ૨૫ ઉમરાવની નિયુક્તિના કારણે હાઉસમાં ટોરી લોર્ડ્સની સંખ્યા ૨૭૫ થશે. લેબર પાર્ટી ૨૧૩ અને લિબ ડેમ્સ ૧૦૮ લોર્ડ્સ ધરાવે છે.


