ઈયુ સંસદીય ચૂંટણીમાં નાઈજેલ ફરાજની બ્રેક્ઝિટ પાર્ટીનો ભારે વિજય

Wednesday 29th May 2019 01:58 EDT
 
 

લંડનઃ યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટની ૨૩ મેએ યોજાએલી ચૂંટણીમાં નાઈજેલ ફરાજની નવી બ્રેક્ઝિટ પાર્ટીનો ભારે વિજય થયો છે. બ્રેક્ઝિટ પાર્ટીને ૨૯ જ્યારે બીજા ક્રમે ૧૬ બેઠક સાથે બ્રેક્ઝિટવિરોધી લિબ ડેમ પાર્ટી આવી છે જે, ગત ચૂંટણી કરતાં ૧૫ બેઠકનો વધારો સૂચવે છે. યુકેના મે મુખ્ય પક્ષો કન્ઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટીનો તો ધબડકો જ થયો છે. ઈયુમાંથી બ્રેક્ઝિટ મુદ્દે અરાજકતા અને સમજૂતીમાં નિષ્ફળતાના પગલે ટોરી પાર્ટી તો માત્ર ૪ બેઠક સાથે છેક પાંચમા સ્થાને પહોંચી છે. ગત ચૂંટણીની સરખામણીએ તેને ૧૫ બેઠક ઓછી મળી છે. લેબર પાર્ટી ૧૦ બેઠક સાથે ત્રીજા સ્થાને છે જે ગત ચૂંટણી કરતાં ૧૦ બેઠક ઓછી છે. ઈયુમાં રહેવાની તરફેણ કરતી ગ્રીન પાર્ટી ૭ બેઠક સાથે ચોથા સ્થાને છે જે ગત ચૂંટણી કરતાં ચાર બેઠકનો વધારો સૂચવે છે. સ્કોટિશ નેશનલ પાર્ટીને ત્રણ બેઠક સાથે છઠ્ઠું સ્થાન મળ્યું છે. તદ્દન નવા સ્થપાયેલા ચેન્જ યુકે ગ્રુપ તેમજ Ukipને કોઈ બેઠક સાંપડી નથી. પ્લેઈડ સાયમરુને વેલ્સમાં એક બેઠક મળી છે. બીજી તરફ, એલાયન્સ પાર્ટી, સિન ફીન પાર્ટી અને ડીયુપીને નોર્ધર્ન આયર્લેન્ડમાં એક બેઠક પ્રાપ્ત થઈ છે.

મે ૨૩ની ઈયુ પાર્લામેન્ટની ચૂંટણી યુકેમાં યોજવી ન પડે તે માટે પોતાની બ્રેક્ઝિટ સમજૂતી પાર્લામેન્ટમાં પસાર કરાવવાના અથાગ પ્રયાસ કરનારા અને વિદાય લઈ રહેલાં વડા પ્રધાન થેરેસા મેએ પરિણામોને તદ્દન નિરાશાજનક ગણાવ્યાં હતાં. બીજી તરફ, લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને પરિણામમાં ધબડકા પછી તેમનો પક્ષ સેકન્ડ રેફરન્ડમને ટેકો આપશે તેવી જાહેરાત કરી છે. ઈયુ પાર્લામેન્ટ ચૂંટણીમાં અભૂતપૂર્વ સફળતાના પગલે બ્રેક્ઝિટ પાર્ટીના સ્થાપક નેતા નાઈજેલ ફરાજે યુકે સંસદીય ચૂંટણીઓમાં ભાગ લેવાની પણ જાહેરાત કરી છે અને આગામી મહિને પીટરબરા પેટાચૂંટણી માટે કામે લાગી જવા સમર્થકોને અનુરોધ કર્યો છે.

------------------------

પાર્ટી            બેઠક           લાભ/નુકસાન

બ્રેક્ઝિટ         ૨૯            (૨૯)

લિબ ડેમ        ૧૬            (૧૫)

લેબર           ૧૦             (-૧૦)

ગ્રીન             ૭               ()

કન્ઝર્વેટિવ      ૪               (-૧૫)

SNP            ૩              ()

ચેન્જ યુકે         ૦             ()

Ukip         ૦                (-૨૪)

પ્લેઈડ            ૧             ()


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter