ઈયુ સાથે છેડો ફાડવાની બ્રેક્ઝિટ પ્રક્રિયાનો સત્તાવાર આરંભ થયો

- Monday 03rd April 2017 10:44 EDT
 
 

લંડનઃ બ્રસેલ્સમાં ઈયુના વડા મથકે લિસ્બન સંધિના આર્ટિકલ-૫૦ના આરંભની પ્રક્રિયાનો પત્ર યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કને પહોંચવાની સાથે યુરોપિયન યુનિયન (ઈયુ ) સાથે છેડો ફાડવાની શરૂઆત યુકે દ્વારા કરાઈ હતી. વડા પ્રધાન થેરેસા મેએ ઈયુના ૨૭ દેશોના સમૂહને લખેલા પત્ર પર ૨૯ માર્ચે સહી કરી આ જૂથમાંથી બહાર નીકળવાના યુકેના મક્કમ ઈરાદાની જાણ કરી હતી. ઈયુમાંથી બહાર નીકળવાની વાટાઘાટો બે વર્ષ ચાલશે અને તે પછી ઈયુ સાથેના ૪૪ વર્ષના સંબંધનો અંત આવશે. આમ છતાં, યુરોપ સાથે ગાઢ મૈત્રી યથાવત રાખવાની ઈચ્છા યુકેએ વ્યક્ત કરી છે.

થેરેસા મેએ પાઠવેલાં પત્રમાં ઈયુને ચેતવણી અપાઈ છે કે વાટાઘાટોમાં યુકેને દંડિત કરવાની માનસિકતા ભારે ભૂલ બની રહેશે. બ્રિટન સાથે ખરાબ વ્યવહાર ઈયુની સમૃદ્ધિ અને સલામતી માટે જોખમી બની રહેશે. વડા પ્રધાને હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોને જણાવ્યું હતું કે તેઓ બ્રિટનના સ્વનિર્ણયના અધિકારને પ્રસ્થાપિત કરવાં માગે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુકે બ્રસેલ્સ ક્લબ સાથે ‘વિશિષ્ટ ભાગીદારી’નું નિર્માણ ઈચ્છે છે. તેઓ યુકેની પ્રજાની લોકશાહી ઈચ્છાનું પાલન કરવા ઈચ્છે છે અને હવે પીછેહઠ કરવાની કોઈ શક્યતા જ નથી.

બે વર્ષની પ્રોસેસ પછી યુકે માર્ચ ૨૯, ૨૦૧૯ના દિવસે ઈયુમાંથી બહાર નીકળી જશે. યુકે સિંગલ માર્કેટમાં પણ રહેવા ઈચ્છતું નથી પરંતુ, વ્યાપક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માગે છે. આ સાથે યુકેમાં રહેતાં ઈયુ નાગરિકો તેમજ યુરોપમાં રહેતાં બ્રિટિશ નાગરિકોના અધિકારો વિશે પણ વેળાસર કરાર કરવા ઈચ્છુક છે. ઈયુના નાગરિકોના મુક્ત અવરજવરના અધિકારો વધુ બે વર્ષ સુધી ચાલુ રખાશે.બીજી તરફ, ટસ્કે જણાવ્યું હતું કે ઈયુ રચનાત્મક વલણ ધરાવે છે પરંતુ, પોતાના હિતો જાળવવા મક્કમ પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter