લંડનઃ બ્રિટન ૨૯ માર્ચે સમજૂતી સાથે કે વિના ઈયુમાંથી બહાર નીકળે તેને ગણતરીના દિવસ બાકી છે ત્યારે પણ વિવાદાસ્પદ આઈરિશ બેકસ્ટોપ મુદ્દે ઈયુ સાથે કોઈ સમજૂતી થઈ શકી નથી. ઈયુ દ્વારા આ મુદ્દે મંત્રણાનો સ્પષ્ટ ઈનકાર કરી દેવાયો છે. જોકે, વડા પ્રધાન થેરેસા મે હજુ આશાવાદી છે અને તેઓ આઈરિશ બેકસ્ટોપમાં ફેરફાર કરાવી શકાય તે માટે હાઉસ ઓફ કોમન્સ પાસે ઓછામાં ઓછાં ૧૫ દિવસની મહેતલ માગે તેવી શક્યતા છે. થેરેસા મે બ્રેક્ઝિટ મંત્રણામાં પ્રગતિ વિશે સાંસદોને માહિતગાર કરશે. પાર્લામેન્ટમાં ૨૭ ફેબ્રુઆરીએ વોટિંગ કરાવાની શક્યતા છે. મેએ બ્રેક્ઝિટ પછી કામદારોના અધિકારોની રક્ષા માટે નવા કાયદાઓ ઘડવા તૈયારી દર્શાવી સોફ્ટ બ્રેક્ઝિટ સમજૂતીના દ્વાર ખોલ્યાં છે.
થેરેસા મે ઈયુ સાથે ભાવિ ગાઢ સંબંધો અંગેની નીતિમાં કોઈ ફેરફારનો નિર્દેશ કરે તેમ લાગતું નથી. તેમણે લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીનને લખેલાં પત્રમાં કસ્ટમ યુનિયન સામેનો વિરોધ ભારપૂર્વક રજૂ કર્યો હતો. મેના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે જેરેમી કોર્બીનના કસ્ટમ્સ પ્રસ્તાવો કે કસ્ટમ્સ યુનિયનમાં રહેવાની કોઈ પણ દરખાસ્તો વિચારી રહ્યા નથી. બેકસ્ટોપ પર જ ધ્યાન કેન્દ્રિત કરાશે. બ્રિટનને આગવી, સ્વતંત્ર વેપારનીતિ જ જોઈએ છે. દરમિયાન, ઈયુના ચીફ નેગોશિયેટર માઈકલ બર્નીઅરે સ્પષ્ટ કર્યું હતું કે બ્રસેલ્સ યુનાઈટેડ કિંગ્ડમની કોઈ માગણી સંતોષી શકે તેમ નથી. તેમણે વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ રીઓપન નહિ કરાય પરંતુ, મંત્રણા ચાલુ રાખીશું તેમ જણાવી આઈરિશ બેકસ્ટોપ મુદ્દે ફરી મંત્રણા નહિ કરવાનો પુનરોચ્ચાર કર્યો હતો.
કોર્બીનની કસ્ટમ્સ યુનિયનની માગ ફગાવાઈ
થેરેસા મેએ પોતાની વિથ્ડ્રોઅલ સમજૂતી પર ગયા મહિને જોરદાર પરાજય સહન કર્યા પછી લેબર પાર્ટીનો ટેકો મેળવવા પ્રયાસ કર્યો છે. તેમણે કોર્બીનના પત્રના ઉત્તરમાં કામદારોના અધિકારો અંગે ઈયુના નિયમોના પાલન મુદ્દે સાંસદોને તક આપવા જણાવ્યું છે. કોર્બીને વડા પ્રધાનને લખેલા પત્રમાં સમજૂતીને ટેકો આપવા માટે કિંમત તરીકે કસ્ટમ્સ યુનિયન સહિત પાંચ માગણી મૂકી હતી. જોકે, વડા પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે અન્ય દેશો સાથે વેપાર સમજૂતીઓ કરવા યુકેને છૂટ મળતી હોય તેવી રાજકીય ઘોષણા સમજૂતીમાં કરાય તેના માટે તેઓ તૈયાર રહેશે. તેમણે કહ્યું હતું કે બ્રિટનને કસ્ટમ્સ યુનિયનમાં રાખવાની તેમની માગણી મુક્ત વેપાર સોદાઓને મુશ્કેલીમાં મૂકશે. થેરેસાએ આગામી દિવસોમાં કસ્ટમ્સ યુનિયન, સિંગલ માર્કેટ અને આઈરિશ બેકસ્ટોપના વિકલ્પો મુદ્દે કોર્બીન અને તેમની ટીમ સાથે વધુ વાતચીતનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
વેલેન્ટાઈન ડે ૧૪ ફેબ્રુઆરીએ મતદાન થાય તો થેરેસા મેનું બ્રેક્ઝિટ ટાઈમટેબલ ખોરવાઈ શકે છે. ઈયુ છોડવાના થોડા દિવસો જ બાકી હોય ત્યારે સાંસદો સમક્ષ સુધારેલું પેકેજ મૂકાશે તેવો આક્ષેપ થેરેસા મે સામે થઈ રહ્યો છે. લેબર પાર્ટી ૨૬ ફેબ્રુઆરી પહેલા આખરી ‘મીનિંગફૂલ વોટ’ લેવા માટે મિનિસ્ટર્સ પર ભારે દબાણ કરવાનો પ્રયાસ કરશે. ગયા મહિને ઈવેટ કૂપર અને નિક બોલ્સના સુધારાને બહુમતી મળી નહિ પરંતુ, તેઓ ઈયુમાંથી બહાર નીકળવાની તારીખ અગાઉ આર્ટિકલ ૫૦ને લંબાવવાના બિલનું સુધારેલું સ્વરૂપ મૂકવા વિચારે છે, જેના પર માર્ચની મધ્યમાં મતદાન થઈ શકે. કોમ્યુનિટીઝ સેક્રેટરી જેમ્સ બ્રોકનશાયરે સ્વીકાર્યું છે કે સાંસદોને આ મહિને સુધારેલી સમજૂતી પર મતદાન કરવા કદાચ મળી ન શકે. જોકે, સૂચિત સમજૂતી વિશે સુધારાઓ પર સંખ્યાબંધ મતદાન કરવા મળી શકે છે.


