ઈયુમાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા વધીને 64.2 મિલિયન

બ્રિટનઃ સંક્ષિપ્ત સમાચાર -૧

Wednesday 29th April 2026 08:22 EDT
 

બર્લિનઃ યુરોપિયન યુનિયનમાં વસતા ઈમિગ્રન્ટ્સની સંખ્યા 2025માં વિક્રમજનક 64.2 મિલિયનના આંકડે પહોંચી છે જે તેની અગાઉના વર્ષ કરતાં 2.1 મિલિયન વધુ છે. 2010માં ઈયુમાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા 40 મિલિયન હતી.

ઈયુ બ્લોકમાં સ્થળાંતર માટે લોકપ્રિય સ્થાન જર્મની છે જ્યાં વિદેશમાં જન્મેલા ઈમિગ્રન્ટ્સની સંખ્યા સૌથી વધુ લગભગ 18 મિલિયન છે, જેમાંથી 72 ટકા વર્કિંગ એજના છે. બીજો ક્રમ સ્પેનનો છે જ્યાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા 700,000ના વધારા સાથે 9.5 મિલિયન થઈ છે. લક્ઝમબર્ગ, માલ્ટા અને સાયપ્રસમાં પણ વસ્તીના પ્રમાણમાં ઈમિગ્રન્ટ્સનો દર ઊંચો છે. આ ઉપરાંત, એસાઈલમ સીકર્સની સંખ્યા સ્પેન, ઈટાલી, ફ્રાન્સ અને જર્મનીમાં વધુ જોવા મળે છે. જર્મનીમાં સૌથી વધુ 2.7 મિલિયન રેફ્યુજીસ છે.

----------------------------------------

વેસ્ટ મિડલેન્ડ્સમાં રોજ 26 કારની જપ્તી

લંડનઃ વેસ્ટ મિડલેન્ડ્સમાં હજારો વાહનચાલકો ઈન્સ્યુરન્સ વિના વાહન ચલાવતા હોવાથી દરરોજ સરેરાશ 26થી વધુ કાર સ્ટ્રીટ્સ પરથી જપ્ત કરી લેવાય છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે 2025માં જ ઈન્સ્યુરન્સ વિના હંકારાતા 9501 વાહનો જપ્ત કર્યા હતા.

ડ્રાઈવર પાસે ઈન્સ્યુરન્સ ન હોવાથી જપ્ત કરાયેલી સંખ્યા 2024ની સરખામણીએ ગત વર્ષે 1028 વધુ હતી. રસપ્રદ બાબત એ જોવા મળી હતી કે એપ્રિલ મહિનામાં બેલગ્રેવ મિડલવે પરથી દંપતીના લગ્નના દિવસે જ ઈન્સ્યુરન્સ વિનાની વૈભવશાળી લેમ્બોર્જિની કાર જપ્ત કરાઈ હતી. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર વાહન હંકારતા પહેલા વાહનચાલક પાસે ઓછામાં ઓછો થર્ડ પાર્ટી ઈન્સ્યુરન્સ હોવો આવશ્યક છે.

-----------------------------------------

જગતારસિંહ જોહલને મુક્ત કરવા માગણી

લંડનઃ યુએન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારતમાં અટકાયત કરાયેલો 39 વર્ષીય બ્રિટિશ નાગરિક જગતારસિંહ જોહલ સાયકોલોજિકલ ટોર્ચર સહન કરી રહ્યો છે. બ્રિટિશ નાગરિક આઠ વર્ષથી ‘મનસ્વી અટકાયત’માં હોવાનું યુએન એક્સપર્ટ્સ કહી રહ્યા છે. યુએન નિષ્ણાતોએ જોહલ વિરુદ્ધ બાકીના આરોપો પડતા મૂકી તત્કાળ છોડી મૂકવા ભારત સરકાર સમક્ષ માગણી કરી છે.

ગ્લાસગો નજીક ડમ્બાર્ટનના રહેવાસી જોહલની ધરપકડ તેના લગ્નના સપ્તાહો પછી ભારતીય સત્તાવાળાઓ દ્વારા 2017માં કરાઈ હતી. આતંકવાદી ગ્રૂપને નાણાકીય સહાયના આરોપના કેસમાં તેને ગયા વર્ષે છોડી દેવાયો હતો પરંતુ, હજુ તેણે ફેડરલ ચાર્જીસનો સામનો કરવાનો રહે છે. ભારતીય સત્તાવાળાઓએ અગાઉ અત્યાચારના દાવાને ફગાવી દીધો હતો અને જણાવ્યું હતું કે યોગ્ય પ્રક્રિયાનું અનુસરણ કરાઈ રહ્યું છે.

---------------------------------------

યુકેમાં ફૂગાવાનો દર વધીને 3.3 ટકા

લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના જણાવ્યા અનુસાર માર્ચ સુધીના વર્ષમાં યુકેનો ફૂગાવાનો દર વધીને 3.3 ટકા થયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કિંમતોની પીડા હજુ વધુ ભોગવવી પડશે. આ વધારો મુખ્યત્વે ઈરાન યુદ્ધના કારણે ઓઈલની કિમતો પર વૈશ્વિક અસરના ધોરણે ફ્યૂલની કિંમતોમાં વધારાના કારણે થયો છે તેમજ વિમાનભાડાં અને ફૂડની કિંમતો પણ વધી છે.

ફેબ્રુઆરી સુધીના વર્ષમાં યુકેમાં કિંમતો 3 ટકા વધી હતી જે બેન્ક ઓફ ઈંગ્લેન્ડના 2 ટકાના લક્ષ્યથી વધુ હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર યુદ્ધને હજુ થોડાં સપ્તાહ થયા છે ત્યારે તેની સંપૂર્ણ અસર જણાતા થોડા વધુ મહિના લાગશે. ફૂડ સપ્લાય ચેઈનમાં કિંમતવધારો સુપરમાર્કેટ્સની અભરાઈઓ પર પ્રતિબિંબિત થાય તેને 13 મહિના લાગી શકે છે. વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી પેટ મેક્ફાડેને જણાવ્યું હતું કે યુકે મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર અનુભવી રહ્યું છે.

---------------------------------------------

ગ્રીન ઉમેદવાર સાઈકા અલીએ યહૂદીઓની માફી માગી

લંડનઃ લેમ્બેથમાં સ્થાનિક ચૂંટણીઓમાં ગ્રીન પાર્ટીના ઉમેદવાર જ્યૂઈશ લોકો વિશે શેર કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ્સથી કોઈ લાગણી ઘવાઈ હોય તે બદલ માફી માગી છે. સ્ટ્રેધામ સેન્ટ લીઓનાર્ડ વોર્ડના ગ્રીન પાર્ટીના ઉમેદવાર સાઈકા અલીએ જયૂઝ ડોનાલ્ડ ટ્રમ્પની માલિકી ધરાવે છે તેમજ 9/11ના આતંકી હુમલા વિશે ગેરમાહિતીના પ્રસારની સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરી હતી.

લેમ્બેથ લેબર ગ્રૂપે હોલોકાસ્ટ વિશે વિવાદિત ટીપ્પણી સહિત જ્યૂઈશ લોકો માટે નુકસાનકારક એન્ટિ-સેમેટિક પોસ્ટ્સ શેર કરવાનો આક્ષેપ સાઈકા અલી પર લગાવ્યો હતો. સાઈકા અલીએ માફી માગતાં જણાવ્યું હતું કે તેમનો કોઈ બદઈરાદો ન હતો. તેઓ તમામ પ્રકારના એન્ટિ-સેમેટિઝમને સંપૂર્ણપણે નકારે છે તેમની ટીપ્પણી મિડલ ઈસ્ટમાં માનવતાલક્ષી હાલત વિશે ચિંતા પ્રદર્શિત કરવાની હતી.

-------------------------------------------------

વેસ્ટ લંડનની શોપ લાઈસન્સ જાળવી રાખશે

લંડનઃ ગેરકાયદે વર્કરને મિનિમમ વેજથી પણ ઓછું વેતન ચૂકવવા છતાં, વેસ્ટ લંડનની ઓલ્ડફિલ્ડ સર્કસ લોકલ શોપ તેનું લાઈસન્સ જાળવી રાખશે. આ શોપમાં કામ કરતા વર્કરે ઈમિગ્રેશન ઓફિસરોને ખોટી માહિતી આપી હતી.

ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટે નવેમ્બર 2025માં આ શોપની મુલાકાત લીધી હતી ત્યારે એક માત્ર પુરુષ વર્કર જોવા મળ્યો હતો. તેણે ચાર મહિનાથી કામ કરતો હોવાનું જણાવવા સાથે ઓછું વેતન મળવાની ફરિયાદ કરી હતી. તપાસમાં જણાયું હતું કે તેને મળતું રક્ષણ 2023માં જ રદ કરાયેલું હતું જેથી તેને યુકેમાં કામ કરવાનો કોઈ અધિકાર ન હતો. રોકડમાં ચૂકવણી, ઈન્કમ ટેક્સ અથવા નેશનલ ઈન્સ્યુરન્સ નહિ ચૂકવવા બદલ શોપમાલિકને હોમ ઓફિસ દ્વારા 40,000 પાઉન્ડને દંડ કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter