લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને તેમના ૨૭ ઈયુ સહયોગીઓને ચેતવણી આપી હતી કે ઈયુમાં મુક્ત અવરજવર પર અંકુશો નહિ મૂકાય ત્યાં સુધી બ્રિટન ફ્રી ટ્રેડ સંધિ પર સહી કરશે નહિ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઈયુની ઈમિગ્રેશન નીતિઓના કારણે જ બ્રેક્ઝિટ સર્જાયું છે. બ્રિટિશ નાગરિકોએ ઈમિગ્રેશન અનિયંત્રત હોવાનું લાગતા જ બ્રેક્ઝિટ માટે મત આપ્યો હતો. યુરોપના નેતાઓએ ફ્રી મૂવમેન્ટ અંગે કોઈ ફેરફાર થવાની શક્યતા નકારી છે.
બ્રેક્ઝિટ તરફ દોરી જનારા સંજોગોનો ખુલાસો કરતા કેમરને પોતાની આખરી બ્રસેલ્સ સમિટમાં સ્પષ્ટ કર્યું હતું કે ઈમિગ્રેશન વિશે યોગ્ય સુધારા કરવાનો ઈનકાર કરનારા એન્જેલા મર્કેલ અને અન્ય વિદેશી નેતાઓ ઈયુમાંથી બહાર જવાના બ્રિટનના નિર્ણય માટે જવાબદાર છે. જોકે, મર્કેલે આ મુદ્દે સંઘર્ષનો તખતો ઉભો કરતાં કહ્યું હતું કે બ્રિટન વાટાઘાટોમાં ઈચ્છે તે મેળવી શકે નહિ. યુરોપિયન નેતાઓએ રોષ અને દુઃખમિશ્રિત પ્રત્યાઘાત આપ્યા હતા. એક નેતાએ બ્રિટિશ મતદારોએ યુરોપની એક પાંખ કાપી નાખ્યાનો આક્ષેપ લગાવ્યો હતો.
કેમરને ઈયુ નેતાઓને એમ કહ્યાનું મનાય છે કે જો તેઓ બ્રિટન સાથે મુક્ત વ્યાપાર સંધિ ઈચ્છતા હશે તો મુક્ત અવરજવર પર અંકુશ લાદવા પડશે. કેમરન મૂળ તો બ્રસેલ્સ સાથે પુનઃ વાટાઘાટોના ભાગરુપે ઈયુમાં મુક્ત અવરજવર પર અંકુશ ઈચ્છતા હતા. જોકે, જર્મની દ્વારા વિરોધના પગલે તેઓ ઝૂકી ગયા હતા. આના પરિણામે નબળી સંધિ થઈ હતી.


