લંડનઃ યુરોપિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા બ્રિટિશ વિદ્યાર્થીઓને ઈયુ સિટીઝનશીપ મળે તેવી શક્યતા છે. ઈટાલીના વડાપ્રધાન મેટ્ટીઓ રેન્ઝીએ જણાવ્યું હતું કે આ યુનિવર્સિટીઓમાં નોંધાયેલા અને બેથી ચાર વર્ષનો અભ્યાસ કરતા બ્રિટિશ વિદ્યાર્થીઓને યુરોપિયન પાસપોર્ટ ઈસ્યૂ કરવાની બાબતે બર્લિનમાં મળેલી બેઠકમાં જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને ફ્રાંસના પ્રમુખ ફ્રાન્સીસ ઓલાંદે સહિત ઈયુ નેતાઓએ ચર્ચા કરી હતી.
બ્રિટને ઈયુ છોડવાની તરફેણમાં મતદાન કર્યું તે પછી આ યોજનાની સમીક્ષા કરાઈ હતી. રેન્ઝીએ ઉમેર્યું હતું કે બ્રેક્ઝિટને લીધે બ્રિટનની યુવાપેઢીને થનારા ગેરલાભને ટાળવા આ યોજના વિચારણા હેઠળ મૂકાઈ છે. જોકે, રેન્ઝીએ ઉમેર્યું હતું કે હાલના તબક્કે કોઈ નિર્ણય લેવાયો નથી. આ પગલાને બ્રિટનમાં ૨૩ જૂનના રેફરન્ડમ બાદ ઈયુ દેશોમાં પોતાના ભવિષ્યના હક્ક અંગે અનિશ્ચિતતા અનુભવી રહેલા બ્રિટિશ વિદ્યાર્થીઓ આવકારશે તેમ મનાય છે.
રેફરન્ડમ અગાઉના ઓપિનિયન પોલમાં મતાધિકાર ધરાવતા ૨૫થી ઓછી વયના ૭૩ ટકા નાગરિકોએ રિમેઈનની તરફેણ કરી હતી. જોકે, ૨૩ જૂને રાષ્ટ્રીય સ્તરે ૪૮ ટકા લોકોએ રિમેઈનની જ્યારે ૫૨ ટકાએ લીવની તરફેણ કરી હતી.
કાનૂની અવરોધ આ યોજનાને કદાચ અશક્ય બનાવી શકે. બ્રિટિશ વિદ્યાર્થીઓને ઈયુ સિટીઝનશીપની મંજૂરીના કિસ્સામાં ગેરકાયદે ભેદભાવ ટાળવા માટે ઈયુ દેશોને નોન-ઈયુ દેશોના વિદ્યાર્થીઓને પણ સિટીઝનશીપ આપવાની ફરજ પડે.


