લંડનઃ કેમરન સરકાર બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જ જોઈએની તરફેણ કરતી પુસ્તિકા દેશના દરેક પરિવારને વહેંચવા માગે છે. ૨૩ જૂને ઈયુમાં રહેવું કે નહિ તેનો રેફરન્ડમ લેવાશે ત્યારે મતદારો પર દબાણ લાવવા ઈંગ્લેન્ડના દરેક ઘરના લેટરબોક્સ મારફત ૧૪ પાનાની ગ્લોસી સરકારી પુસ્તિકા મોકલવામાં આવશે. સરકાર આ પ્રચારઝુંબેશ પાછળ કરદાતાઓના ૯ મિલિયન પાઉન્ડ ખર્ચી રહી છે એટલે હાઉસહોલ્ડ દીઠ ૩૪ પેન્સનો ખર્ચ કરાશે. વેલ્શ અને નોર્ધર્ન આઈરિશ એસેમ્બલી અને સ્કોટિશ પાર્લામેન્ટની ચૂંટણીઓ પૂર્ણ થયા પછી વેલ્સ, નોર્ધર્ન આયર્લેન્ડ અને સ્કોટલેન્ડના મતદારોને પણ આ પુસ્તિકા મોકલી અપાશે.
‘HM Government’ ના લોગો સાથેની પુસ્તિકાના મથાળામાં જણાવાયું છે કે,‘સરકાર શા માટે માને છે કે યુરોપિયન યુનિયનમાં રહેવાની તરફેણમાં મતદાન યુકે માટે શ્રેષ્ઠ નિર્ણય રહેશે.’ તેમાં ઈકોનોમી, ઈમિગ્રેશન કંટ્રોલ અને ઓવરસીઝ સહિતના વિભાગો છે અને ચેતવણી અપાઈ છે કે, ‘છોડવાના નિર્ણયનો અર્થ દાયકા કે તેથી વધુ સમયગાળાની અનિશ્ચિતતા હશે.’
સરકારી જાહેરાતથી બ્રેક્ઝિટના તરફેણકારોમાં રોષ છવાયો છે. લંડનના મેયર બોરિસ જ્હોન્સને પ્રચાર પાછળ પ્રજાના નાણાને ખર્ચવાની બાબત ઉડાઉ અને તરંગી ગણાવી હતી.


