લંડનઃ કન્ઝર્વેટિવ નેતા અને લંડનના મેયર બોરિસ જ્હોન્સને યુરોપિય યુનિયનમાંથી બહાર નીકળવાની હાકલ કરતા કહ્યું છે કે ઈયુમાંથી બહાર નીકળવું તે જેલમાંથી છૂટ્યા બરાબર ગણાશે. જોકે, તેમણે એમ પણ સ્વીકાર્યું હતું કે બ્રેક્ઝિટના કારણે બ્રિટિશરોની નોકરીઓ પર પણ અસર થશે.
બીબીસી વનના ‘ધ એન્ડ્રયુ માર શો’ કાર્યક્રમમાં મેયર બોરિસ જ્હોન્સને ઈયુમાં રહેવાની તરફેણ કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ૨૩ જૂનના રેફરન્ડમની સ્ટ્રેટેજી સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘આ તો જેલરે જેલનો દરવાજો ખુલ્લો રાખ્યા જેવું છે. લોકો જેલના દ્વાર પાછળ સૂર્યથી પ્રકાશિત ભૂમિ નિહાળી શકે છે. બ્રિટિશ વેપારધંધા પરથી ભારે બોજ હટી જશે.’ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બ્રસેલ્સ કોર્ટ્સની સામે બ્રિટિશ પાર્લામેન્ટ અને બ્રિટિશ કોર્ટ્સના સાર્વભૌમત્વની સર્વોચ્ચતા દર્શાવવાના તેમના શબ્દોને સરકારી ધારાશાસ્ત્રીઓએ નકારી કાઢ્યા પછી તેમણે બ્રેક્ઝિટ અભિયાન સાથે સંકળાવા નિર્ણય લીધો હતો.
આ જ કાર્યક્રમમાં જર્મન ફાઈનાન્સ મિનિસ્ટર વોલ્ફગેન્ગ શૌબલે ચેતવણી આપી હતી કે બ્રેક્ઝિટની અસલામતી બ્રિટિશ અર્થતંત્રને ઝેરી ચેપ લગાવશે. ઈયુ છોડ્યા પછી પણ બ્રિટને લોકોની મુક્ત હેરફેરનો સ્વીકાર કરવો પડશે અને બ્રસેલ્સને ફાળાઓ આપવા પડશે. બોરિસે ડેઈલી ટેલિગ્રાફમાં પોતાની કોલમમાં લખ્યું હતું કે, ‘ઈયુના નેતાઓ યુરોપિયન દેશોનું સુપર સ્ટેટ તરીકે વિલિનીકરણ કરવા માગે છે. તેઓ સમગ્ર યુરોપની એક આર્થિક સરકારના સર્જન સાથે યુરોને ઊંચે લાવવા ઈચ્છે છે. તેઓ ઈન્સોલ્વન્સી કાયદો, કંપની કાયદો, પ્રોપર્ટીના અધિકારો, સામાજિક સુરક્ષા સિસ્ટમ્સને એકસરખા બનાવવા માગે છે અને યુકે પર આ પ્રક્રિયાઓની અસર ન થાય તે શક્ય જ નથી.’


