ઈરાક યુદ્ધના ચિલ્કોટ રિપોર્ટમાં ટોની બ્લેર સરકારની આકરી ટીકા

ટોની બ્લેરે પોતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યોઃ જેરેમી કોર્બીને લેબર પાર્ટી વતી માફી માગી

Tuesday 12th July 2016 15:20 EDT
 
 

લંડનઃ ઈરાક યુદ્ધમાં બ્રિટિશ સરકાર, રાજકારણીઓ અને વ્યક્તિઓની ભૂમિકા અંગે બ્રિટિશ સરકારની સર જ્હોન ચિલ્કોટ તપાસ સમિતિએ ઘટસ્ફોટ કર્યો છે કે તત્કાલીન લેબર વડા પ્રધાન ટોની બ્લેર અને તેમની સરકારે ખોટી ગુપ્તચર માહિતીને આધાર બનાવીને ઈરાક સાથે યુદ્ધ કર્યું હતું. ઈરાકમાં યુદ્ધ કરવું જ પડે તેવી અનિવાર્ય સ્થિતિ ન હતી. ૨૦૦૩માં ઈરાક યુદ્ધમાં અમેરિકાની સાથે બ્રિટન પણ જોડાયું હતું. બ્રિટિશ અને અમેરિકન લશ્કરી દળોના હુમલાના છ વર્ષમાં ૧૫૦,૦૦૦ ઈરાકી નાગરિકો માર્યા ગયા હોવાનું મનાય છે તેમજ ૧૭૯ બ્રિટિશ સૈનિકોએ જાન ગુમાવ્યો હતો. ચિલ્કોટ સમિતિની રચનાના સાત વર્ષ પછી આ રિપોર્ટ પ્રકાશિત કરાયો છે.

પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે તે સમયના સંજોગોમાં પોતાનો નિર્ણય યોગ્ય હોવાનો દાવો કર્યો હતો. જોકે, લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને તેમની પાર્ટીના ‘યુદ્ધે ચડવાના વિનાશક નિર્ણય’ બદલ માફી માગી હતી. તેમણે આ નિર્ણયને ગત ૬૦ વર્ષમાં સૌથી વિદેશનીતિની સૌથી ગંભીર આફત ગણાવ્યો હતો.

સર જ્હોન ચિલ્કોટે ૨૦૦૩ના ઈરાક યુદ્ધમાં યુકેની સંડોવણી સંદર્ભે આકરી ટીકા કરતો રિપોર્ટ રજૂ કર્યો હોવા છતાં પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર જરા પણ પસ્તાવો દર્શાવ્યા વિના પોતાનો નિર્ણય યોગ્ય હોવાને વળગી રહ્યા હતા. પૂર્વ વડા પ્રધાન બ્લેરની પ્રતિષ્ઠા ધૂળમાં મેળવતા રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૦૩ના આક્રમણ સમયે સદ્દામ હુસેન તત્કાળ જોખમ કે ધમકીરુપ ન હતા. પૂર્વ વડા પ્રધાને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ‘બ્રિટિશ વડા પ્રધાન તરીકે ૧૦ વર્ષના કાર્યકાળમાં યુએસ આક્રમણમાં સાથે જોડાવાનો નિર્ણય સૌથી કઠોર, સૌથી મહત્ત્વનો અને સૌથી પીડાદાયી બની રહ્યો હતો. ઈરાકમાં જે લોકોએ સ્નેહીઓને ગુમાવવાની પીડા અને યાતના સહન કર્યા છે તેમને માટે હું આજે પણ દુઃખ અનુભવું છું.’ ઈરાક પર આક્રમણનો નિર્ણય ભૂલ હોવા અંગે પ્રશ્નનો ઉત્તર આપવામાં બ્લેરે જરા પણ પસ્તાવો દર્શાવ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે,‘હું માનું છું કે અમે સાચો નિર્ણય લીધો હતો અને વિશ્વ વધુ સારું અને સલામત છે.’ દરમિયાન, યુએસના તત્કાલીન પ્રમુખ જ્યોર્જ બુશે નિવેદનમાં ભૂલોનો સ્વીકાર કરવા સાથે જણાવ્યું હતું કે તેઓ આજે પણ માને છે કે,‘સદ્દામ સત્તા પર ન રહેવાથી વિશ્વ બહેતર છે.’

રિપોર્ટમાં કહેવાયું છે કે ઈરાક યુદ્ધમાં બ્રિટનને સામેલ કરવા માટે જે ગુપ્તચર અહેવાલનો સરકારે આધાર લીધો હતો તે સંતોષકારક નહોતો અને તેનું આયોજન પણ ખામીપૂર્ણ હતું. બાઈબલ કરતાં ત્રણ ગણા વધુ પેજ ધરાવતા રિપોર્ટમાં બ્લેર અને તત્કાલીન યુએસ પ્રમુખ જ્યોર્જ બુશ વચ્ચેના સંવાદોનો પણ ઉલ્લેખ કરાયો છે. બ્લેરના નિર્ણય સામે તે વખતે કોઈએ શા માટે વાંધો લીધો નહીં તેવો સવાલ પણ કરાયો છે. ‘ઈંગ્લેન્ડ અને અમેરિકાને કારણે આજે પણ ઈરાક અરાજકતામાં હોમાયેલું છે. ઈસ્લામિક સ્ટેટ જેવાં આતંકવાદી સંગઠનો દેશના મોટા એરિયામાં વર્ચસ્વ ધરાવે છે,’ તેમ રિપોર્ટમાં લખાયું છે.

ઈરાક યુદ્ધ ગેરકાયદે હતુંઃ જ્હોન પ્રેસ્કોટનો એકરાર

તત્કાલીન ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર અને વર્તમાન લોર્ડ જ્હોન પ્રેસ્કોટ હવે સ્વીકારે છે કે ૨૦૦૩નું ઈરાક પરનું આક્રમણ ગેરકાયદે હતું. પૂર્વ વડા પ્રધાન બ્લેરના દાવાઓની ધૂળ કાઢતા સર જ્હોન ચિલ્કોટના રિપોર્ટના જાહેર કરાયા પછી તે સમયે બ્લેરના નિર્ણયમાં સાથ આપનારા લોર્ડ પ્રેસ્કોટને આત્મજ્ઞાન થયું છે. લોર્ડ પ્રેસ્કોટે સન્ડે મિરરના એક લેખમાં સ્પષ્ટ કર્યું હતું કે,‘હું મારી બાકીની જિંદગી યુદ્ધે ચડવાના નિર્ણય અને તેના પરિણામસ્વરૂપ વિનાશક સંજોગો સાથે જીવીશ. યુએન સેક્રેટરી જનરલ કોફી અન્નાને ત્યારે કહ્યું હતું કે ઈરાક યુદ્ધનો મુખ્ય હેતુ સત્તાપલટાનો હોવાથી તે ગેરકાયદે હતો. અતિ દુઃખ અને રોષ સાથે હું માનું છું કે તેઓ સાચા હતા.’ લોર્ડ પ્રેસ્કોટે લખ્યું છે કે,‘ ચિલ્કોટ રિપોર્ટ બ્લેર સરકારે યુદ્ધના સંજોગોને કેવી ખરાબ રીતે હલ કર્યા હતા તેનું ગંભીર તહોમતનામું છે અને તત્કાલીન સરકારમાં ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર હોવાથી મારે વિશેષ તો ઈરાક યુદ્ધમાં જાન આપનારા ૧૭૯ બ્રિટિશરોના પરિવારોની સંપૂર્ણ માફી માગવી જ જોઈએ.’

ઈરાક ઈન્ક્વાયરીના મુખ્ય ૧૪ તારણો

લંડનઃ સર જ્હોન ચિલ્કોટ ઈન્ક્વાયરીએ અમેરિકાના નેતૃત્વ હેઠળ ૨૦૦૩ના ઈરાક પરના આક્રમણમાં બ્રિટિશ દળોને સામેલ કરવાના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરના નિર્ણય પર ભારે પસ્તાળ પાડી છે. ચિલ્કોટ રિપોર્ટમાં ૧૪ મુખ્ય તારણો બ્લેર સરકારને આરોપીના પાંજરામાં ખડા કરે છે.

• શાંતિમય વિકલ્પોના પૂર્ણ ઉપયોગ પહેલા જ આક્રમણમાં જોડાવા યુકેનો નિર્ણય • સદ્દામ હુસેનના જોખમને બ્લેરે ઈરાદાપૂર્વક વધારીને વર્ણવ્યા• કોઈ પણ સંજોગોમાં તમારી સાથે રહીશઃ બુશને બ્લેરની ખાતરી• આક્રમણનો નિર્ણય અસંતોષકારક સંજોગોમાં લેવાયો હતો.• જ્યોર્જ બુશે યુદ્ધોત્તર આયોજન અંગે યુકેની સલાહ અવગણી• સદ્દામ તરફથી તત્કાળ કોઈ જોખમ ન હતું• બ્રિટિશ ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા ‘ક્ષતિપૂર્ણ માહિતી’ અપાઈ હતી.• યુકેની મિલિટરી પાસે કામગીરી માટે સાધનો અપૂરતા• યુદ્ધથી દૂર રહ્યા હોત તો પણ યુકે-યુએસ સંબંધોને કોઈ નુકસાન ન હતું• બ્લેરે આક્રમણ પછી ઈરાકની હાલત અંગેની ચેતવણી નજરઅંદાજ કરી હતી• બ્લેર સરકાર પાસે આક્રમણ પછીની રણનીતિનો અભાવ• યુદ્ધ પછી અમેરિકા સંચાલિત વહીવટમાં યુકેનો કોઈ પ્રભાવ નહિ• ઈરાકમાં યુકેના હેતુઓ બર આવ્યાં નહિ • સરકારે ઈરાકી નાગરિક ખુવારીની સંખ્યાની જાણકારી રાખી ન હતી.

ચિલ્કોટ રિપોર્ટઃ આંકડાની આંખે........

• ચિલ્કોટ રિપોર્ટમાં ૨.૬ મિલિયન શબ્દનો ઉપયોગ કરાયો છે. આના પરિણામે, રિપોર્ટ લીઓ ટોલસ્ટોયની મહાકથા ‘વોર એન્ડ પીસ’ (૫૮૭,૦૦૦ શબ્દ) કરતા સાડા ચાર ગણો, બાઈબલ (૭૭૫,૦૦૦ શબ્દ) તેમજ શેક્સપીઅરના સંપૂર્ણ કાર્ય (૮૮૫,૦૦૦ શબ્દ) કરતા ત્રણ ગણો મોટો બન્યો છે. • સર જ્હોન ચિલ્કોટ રિપોર્ટના તમામ ૧૨ વોલ્યુમ ૭૬૭ પાઉન્ડમાં ખરીદી શકાય છે, જ્યારે ૧૫ પાનાના સારસંક્ષેપની કિંમત ૩૦ પાઉન્ડ છે. •૧૪૫ પાનાની એક્ઝિક્યુટિવ સમરી આપવામાં આવી છે.• ઈન્ક્વાયરીના આરંભ પછી ૭ વર્ષે રિપોર્ટ જાહેર કરાયો છે. • પૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉન દ્વારા રિપોર્ટની જાહેરાત કરાયા પછી ૨,૫૭૮ દિવસ વીતી ગયા છે.• ઈરાક યુદ્ધમાં ૧૭૯ બ્રિટિશ સૈનિકો માર્યા ગયા હતા.• બ્રિટિશ અને અમેરિકન લશ્કરી દળોના હુમલાના છ વર્ષમાં ૧૫૦,૦૦૦ ઈરાકી નાગરિકો માર્યા ગયા હોવાનું મનાય છે • તપાસમાં ૧૫૦,૦૦૦ સરકારી દસ્તાવેજોની ચકાસણી કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter