લંડનઃ ઈરાન યુદ્ધની સમગ્ર વિશ્વ પર વિષમ અસરો પડી રહી છે તેમાંથી યુકે પણ બાકાત નથી. મિડલ ઈસ્ટના સંઘર્ષના કારણે યુકેમાં 150,000 નોકરીઓ ગુમાવવી પડે તેમજ પારિવારિક બજેટમાં સરેરાશ 730 પાઉન્ડનું ગાબડું પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.
બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પૂર્વ અધિકારી અને એડવાઈઝરી ફર્મ ઓક્સફર્ડ ઈકોનોમિક્સના સલાહકાર માઈકલ સૌન્ડર્સના જણાવ્યા અનુસાર જો યુદ્ધનો ઝડપથી અંત આવે તો પણ આર્થિક અસરો વિષમ રહેશે. આ યુદ્ધથી કંપનીઓ/ ધંધાઓને ખરાબ અસર થશે જેના પરિણામે, બેરોજગારી 0.5 ટકા વધશે એટલે કે 150,000 નોકરીઓને અસર થશે. ઓક્સફર્ડ ઈકોનોમિક્સે આ વર્ષે ફૂગાવો 4.5 ટકાએ ઉછળવાની પણ આગાહી કરી છે.
સૌન્ડર્સે થિન્ક ટેન્ક રેઝોલ્યુશન ફાઉન્ડેશનના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આસમાને જતી ફ્યૂલ અને અન્ય કિંમતોથી પરિવારોના બજેટ પર સરેરાશ વાર્ષિક 730 પાઉન્ડની વિપરીત અસર જણાશે. જો યુદ્ધ લંબાશે તો હાલત વધુ ખરાબ થશે. રેઝોલ્યુશન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર મિડલ ઈસ્ટ યુદ્ધથી લાગેલા એનર્જી શોકથી આ વર્ષે યુકેના પરિવારોને સંયુક્તપણે 11 બિલિયન પાઉન્ડનો જ્યારે સરકારના કરજને 2029/30 સુધીમાં 16 બિલિયન પાઉન્ડનો ફટકો પડશે.

