ઈરાને બે બ્રિટિશરને મુક્ત કરવા જંગી રકમો વસૂલી

નાઝનીન ઝાઘારી- રેટક્લિફ અને અનુશેહ આશૂરી જાસૂસીના આરોપસર લાંબા જેલવાસ પછી મુક્તઃ બ્રિટને ઈરાનનું £400 મિલિયન દેવું ચૂકવ્યુંઃ આશૂરીના પરિવારે £27,000 ચૂકવ્યા

Wednesday 23rd March 2022 07:10 EDT
 
 

લંડનઃ સ્નેહાળ પતિ રિચાર્ડ જેણે કદી આશા ન છોડી, નાનકડી છોકરી ગેબ્રિએલા જેનો પરિવાર ફેંદાઈ ગયો હતો અને નિર્દોષ માતા જે કદી નહિ આચરેલા ગુનાઓ બદલ 6 વર્ષ સુધી ઈરાનની સૌથી ખરાબ જેલમાં સબડતી રહી. આ ત્રણે વ્યક્તિના જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો જ્યારે બ્રિટિશ ઈરાનિયન ચેરિટી વર્કર નાઝનીન ઝાઘારી- રેટક્લિફનો આઝાદી માટેનો સંઘર્ષ સફળ થયો અને 17 માર્ચ ગુરુવારની વહેલી સવારે તેણે ફરી બ્રિટનમાં પગ મૂક્યો. 43 વર્ષીય ચેરિટી વર્કર નાઝનીન અને 67 વર્ષીય સાથી બ્રિટિશ ઈરાનિયન અનુશેહ આશૂરીને ઈરાનની જેલમાંથી મુક્ત કરાયા ત્યારે તેમની પાસે કોઈ શબ્દો બચ્યા ન હતા. નિવૃત્ત સિવિલ એન્જિનીઅર અનુશેહ આશૂરીને ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ માટે જાસૂસી કરવાના આરોપસર 10 વર્ષ માટે જેલમાં મોકલી દેવાયા હતા.

આ બે વ્યક્તિને છોડવાના બદલામાં યુકે સરકારે કબૂલાત કરી હતી હતી કે તેનું છેક 1970ના દાયકાના રદ કરાયેલા ચીફટેન ટેન્ક શસ્ત્રસોદાનું આશરે 400 મિલિયન પાઉન્ડનું દેવું કાયદેસર હતું. ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે જણાવ્યું હતું કે ઈરાનને 400 મિલિયન પાઉન્ડનું દેવું ચૂકવવાની અમારી પ્રાથમિકતા હતી. જોકે, ઈરાન સામે પ્રતિબંધો હોવાથી આ દેવું કેવી રીતે ચૂકવાશે તે બાબતે કોઈ સ્પષ્ટતા નથી.ઈરાનિયન મીડિયાના જણાવ્યા મુજબ યુકે દ્વારા આ દેવું ચૂકવી દેવાયું હતું.

પરિવારથી અલગ નાઝનીન

6 વર્ષ અગાઉ એપ્રિલ 2016માં એક વર્ષની દીકરી ગેબ્રિએલા સાથે ઈરાનમાં માતાપિતાને મળવા ગયેલી નાઝનીનને તહેરાન એરપોર્ટ પર જ ઈરાની સત્તાવાળાઓએ કોઈ કારણ આપ્યા વિના જેલમાં નાખી દીધી હતી. 45 દિવસની સોલિટરી કન્ફાઈન્મેન્ટમાં રખાયેલી નાઝનીનને જાસૂસીના આરોપસર 5 વર્ષની જેલની સજા કરાઈ હતી. તેની દીકરી ગેબ્રિએલાએ ગ્રાન્ડપેરન્ટ્સ સાથે રહેવાની ફરજ પડી હતી. નાઝનીન વિરુદ્ધ ઈરાની સરકારને ઉથલાવવાના કાવતરાનો પણ આરોપ લગાવાયો હતો. તેણે ચાર વર્ષ તહેરાનની એવિન જેલ અને એક વર્ષ ઘરમાં નજરકેદમાં વીતાવ્યાં હતાં. આ પછી તેને વધુ એક વર્ષની સજા કરાઈ હતી. નાઝનીનના પતિ રિચાર્ડે પત્નીની મુક્તિ માટે ઘણા પ્રયાસ કર્યા હતા અને એક સમયે 21 દિવસની ભૂખ હડતાળ પણ કરી હતી.

આશૂરીની મુક્તિ- પરિવારે દેવું ચૂકવ્યું

ઓગસ્ટ 2017માં જેલમાં નખાયેલા અનુશેહ આશૂરીને મુક્ત કરાવવા માટે તેમના પરિવારે ઈરાની સરકારનું દેવું ચૂકવવા 12 કલાકમાં જ 27,000 પાઉન્ડની મોટી રકમ એકઠી કરવી પડી હતી. ઈરાની સરકારે બ્રિટિશ ફોરેન ઓફિસના મંત્રણાકારોને જેલ સાથે સંકળાયેલું દેવું ન ચૂકવાય તો મુક્ત નહિ કરવાનું સ્પષ્ટ કર્યું હતું. બીજા દિવસ એટલે કે મંગળવાર 15 માર્ચે રકમ ચૂકવાયા પછી આશૂરીને બુધવારે મુક્ત કરાયા હતા. અનુશેહની દીકરી એલિકા આશૂરીએ જણાવ્યું હતું કે પિતાની મુક્તિ માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો કારણકે બ્રિટિશ મીડિયા તેમના પરિવાર તરફ ધ્યાન આપતું ન હતું. ગયા વર્ષે એમ્નેસ્ટી સહિત અન્ય સંગઠનો તેમના પ્રયાસોમાં જોડાયાં હતાં. આશૂરી પરિવાર ધનવાન નથી અને ઈરાનને 27,000 પાઉન્ડની મોટી રકમ ચૂકવવા તેમણે કરેલું દેવું- લોન્સ પરત કરવા માટે ક્રાઉડફંડિંગ વેબસાઈટની મદદ લેવા વિચારી રહ્યા છે.

હજુ પણ એક બ્રિટિશ-અમેરિકન-ઈરાનિયન નાગરિક 66 વર્ષીય મોરાદ તહબાઝ જાન્યુઆરી 2018થી ઈરાનની જેલમાં છે. તહબાઝને પણ નાઝનીન અને આશૂરીની સાથે જ મુક્ત કરવા યુકે દ્વારા ઈરાનને કરાયેલી વિનંતી એળે ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter